સુરત: નિર્મળ ગુજરાત 2.0 હેઠળ 30 ઇલેક્શન વોર્ડમાંથી દર મહિને શ્રેષ્ઠ સફાઈ કર્મચારીને ₹10,000 આપવાની દરખાસ્ત

સુરત પાલિકા દ્વારા સફાઈ કર્મચારી એવોર્ડની જાહેરાત

સુરત પાલિકાએ શહેરના 360 સફાઈ કર્મચારીઓને પ્રોત્સાહન આપવા માટે કુલ ₹36 લાખની નાણાકીય એવોર્ડની દરખાસ્ત તૈયાર કરી છે. નિર્મળ ગુજરાત 2.0 યોજના હેઠળ 30 ઇલેક્શન વોર્ડમાંથી દર મહિને દરેક વોર્ડના એક શ્રેષ્ઠ સફાઈ કર્મચારીને ₹10,000 આપવામાં આવશે.

એપ્રિલ 2025થી માર્ચ 2026 સુધી આ રકમ પસંદ થયેલા કર્મચારીઓના બેંક ખાતામાં સીધા જમા કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે.

યોજનાના ઉદ્દેશ્ય

યોજનાના ઉદ્દેશ્ય અને રૂપરેખા રાજ્ય સરકાર દ્વારા લાગુ કરાઈ આવેલી નિર્મળ ગુજરાત 2.0 યોજના શહેરોમાં સ્વચ્છતા અને નાગરિક જાગૃતિ વધારવા માટે છે. યોજના અનુસાર મહાનગરપાલિકાઓને પ્રત્યેક ઇલેક્શન વોર્ડ માટે દર મહિને ₹10,000ની સહાય ફાળવવામાં આવે છે અને દરેક વોર્ડમાંથી માસિક શ્રેષ્ઠ સફાઈ કર્મચારીની પસંદગી કરવાની વ્યવસ્થા રાખવામાં આવે છે.

સુરત પાલિકાની પસંદગી અને જવાબદારી સરકારી માર્ગદર્શિકા અનુસાર મહાનગરપાલિકાના દરેક ઇલેક્શન વોર્ડમાંથી દર મહિને એક શ્રેષ્ઠ સફાઈ કર્મચારીની પસંદગી કરવાની જવાબદારી નાયબ મ્યુનિસિપલ કમિશનર અથવા ઝોનલ ચીફને સોંપવામાં આવે છે.

સુરત પાલિકાએ જણાવ્યું છે કે ઝોનલ ચીફ અને નાયબ આરોગ્ય અધિકારીઓ દ્વારા એપ્રિલ 2025થી માર્ચ 2026 સુધીના સમયગાળા માટે 30 ઇલેક્શન વોર્ડમાંથી કુલ 360 શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓની પસંદગી કરવામાં આવી છે.

નાણાકીય વ્યવસ્થા

નાણાકીય વ્યવસ્થા અને ચુકવણી વર્ષ 2025-26 માટે સુરત પાલિકાને કુલ ₹36 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જેમાં 30 ઇલેક્શન વોર્ડ માટે દર મહિને ₹10,000નો 12 મહિના માટેનો હિસ્સો સામેલ છે. દર્શાવેલી દરખાસ્ત મુજબ એવોર્ડની રકમ રોકડમાં આપવાની બદલે કર્મચારીઓના બેંક ખાતામાં RTGS અથવા ઓનલાઈન માધ્યમથી સીધી જમા કરાવવામાં આવશે.

સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવા અંગે આ પ્રસ્તાવ આગળની કાર્યવાહી માટે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે જેથી મંજૂરી બાદ ચુકવણી અને લાગુ કરવાની પ્રક્રિયા શરૂ કરી શકાય.