TAT-HS મુખ્ય પરીક્ષા રિઝલ્ટથી અસંતોષ
રાજ્યની TAT-HS (ઉચ્ચતર માધ્યમિક) મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ ઉમેદવારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદ તથા સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં ઉમેદવારો વહીવટીતંત્રને આવેદનપત્ર પાઠવી પેપર-1 અને પેપર-2 બંનેના ગુણ અને પોતાની લખેલી ઉત્તરવહીઓ જાહેર કરવાની માગ કરી રહ્યા છે.
પરિણામમાં હાજરી અને પાસ આંકડામાં દેખાતી વિસંગતતાને લઈને ઉમેદવારો ફરી મૂલ્યાંકનની માંગ કરી રહ્યાં છે. ઉમેદવારોની મુખ્ય માંગણીઓમાં પેપર-1 અને પેપર-2ના ગુણ અલગ-અલગ જાહેર કરવા, દરેક ઉમેદવારના સીટ નંબર, કન્ફર્મેશન નંબર, જન્મ તારીખ, કેટેગરી અને વિષયવાર પરિણામનું લિસ્ટ જાહેર કરવું, અને દરેક ઉમેદવારને પોતે લખેલી બંને પેપરની ઉત્તરવહી જાહેર કરવી સામેલ છે.
ઉમેદવારોની માંગ છે કે પેપર-1 (ગુજરાતી ભાષા સજ્જતા) અને પેપર-2 (સંબંધિત વિષય) માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અધિકૃત જવાબવહી જાહેર કરવી જોઈએ. પરિણામમાં આપવામાં આવેલા આંકડાઓમાં જોવા મળતી વિસંગતતાનો ખુલાસો કરવો જરૂરી છે.
અભ્યાસક્રમ 11-12 ધોરણ સુધીનો હોવા છતાં, મૂલ્યાંકન માટે તપાસની લાયકાત કયા પ્રમાણની હોવી જોઈએ તેની સ્પષ્ટતા કરવી જોઈએ. ઉમેદવારોનું કહેવું છે કે મુખ્ય પરીક્ષામાં યુનિવર્સિટી ગોલ્ડ મેડાલિસ્ટ, પીઆરડી.ધારકો/પીએચ.ડી.ધારકો, 15 વર્ષથી વધુનો શૈક્ષણિક અનુભવ ધરાવતાં નિષ્ણાત શિક્ષકો અને પુસ્તકો પ્રકાશિત કરનાર વ્યકિતઓ હાજર રહ્યા હતા, છતાં તેમને 200માંથી માત્ર 80થી 110 ગુણ મળ્યા છે.
પ્રિલિમમાં ક્વોલિફાય થયેલા 50,066માંથી 47,644 ઉમેદવારો મુખ્ય પરીક્ષામાં હાજર રહ્યા, જ્યારે 2422 ગેરહાજર રહ્યા. 6 નવેમ્બર, 2026ના રોજ જાહેર કરાયેલા પરિણામમાં 16,887 ઉમેદવારો પાસ અને 30,754 નાપાસ દર્શાવવામાં આવ્યા છે. આમાં 47,644માંથી 30,754ને નાપાસ ગણતા, પાસ ઉમેદવારોની સંખ્યા 16,890 થવી જોઈએ, પરંતુ SEB દ્વારા 16,887 દર્શાવવામાં આવી છે.
ઉમેદવારો આ વિસંગતતાનું સ્પષ્ટીકરણ માંગે છે. રાજ્ય પરીક્ષા બોર્ડે મુખ્ય પરીક્ષાના ગુણ ચકાસણી માટે 18 નવેમ્બરથી 21 નવેમ્બર સુધી અરજી મંગાવી છે. જો પરિણામ અંગે પૂરતો અને નિષ્પક્ષ તપાસ ન કરવામાં આવે તો આગામી સમયમાં ગાંધીનગરમાં મોટાપાયે આંદોલન થવાની ચીમકી છે.