સિંહણનો આતંક
અમરેલીના વડિયા પંથકના અરજણસુખ ગામમાં મોડી રાતથી સવાર સુધી સિંહણનો આતંક જોવા મળ્યો, જેમાં સિંહણે અલગ-અલગ સ્થળે ચાર હુમલા કર્યા, જેના કારણે સ્થાનિકોમાં ભય ફેલાયો. આ ઘટનાઓમાં બાઇક ચાલકો, ખેતમજૂરો અને વનકર્મી સહિત કુલ 5 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા.
વનવિભાગની 6 ટીમોએ રાતોરાત સર્ચ ઑપરેશન ચલાવ્યું અને અંતે સિંહણને બપોરે ટ્રાન્ક્વિલાઇઝ કરીને બેભાન કરી પાંજરે મૂકવામાં આવ્યું, જેના કારણે તંત્ર અને ગ્રામજનોને રાહત મળી હતી.
ઘટનાની વિગત મુજબ, ગઇકાલે મોડી રાતે અરજણસુખથી તોરી તરફ જતાં માર્ગ પર બાઇકસવાર પર અચાનક સિંહણે હુમલો કર્યો. ત્યારબાદ સવાર સુધી અલગ-અલગ સ્થળોએ એક પછી એક હુમલાની ઘટનાઓ નોંધાઈ હતી.
હમલાની ઘટનામાં ઇજાગ્રસ્તો પૈકી મેહુલભાઈ મનુભાઈ અને ભગીરથભાઈ ગભરુભાઈને બાઇકસવાર પર થયેલા હુમલામાં ઇજા પહોંચી. બંનેને વડિયા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી અને વધુ સારવાર માટે એમને અમરેલી ખસેડવામાં આવ્યા.
સવારના સમયે, રહેણાંક વિસ્તારમાં રસોઈ બનાવતાં ખેતમજૂર અતુલભાઈ માધાભાઈ પોકળ પર સિંહણે હુમલો કર્યો અને તેમને ૧૦૮ દ્વારા વડિયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. વધુ એક ખેડૂત છોટુ સરદારભાઈ રાવત પણ ઇજાગ્રસ્ત થયા અને તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
વનકર્મી અનિરૂધ્ધસિંહ વાળા પર પણ સિંહણને પકડવા જતા હુમલો થયો, જેના કારણે તેમને પણ ઇજા પહોંચી. વનવિભાગની ટીમો દ્વારા સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું.
આ ઘટનાને પગલે સ્થાનિકો દ્વારા વડિયા વિસ્તારમાં વાઈલ્ડલાઈફ કચેરી સ્થાપવાની માંગ ઉગ્ર બની છે, જેથી માનવ-વન્યજીવ સંઘર્ષની ઘટનાઓમાં ઝડપી પ્રતિસાદ શક્ય બને.