હવામાનમાં ફેરફાર
ઈન્ડિયન મેટિયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ (IMD) અનુસાર પશ્ચિમ વિક્ષોભ (Western Disturbance) સક્રિય થવાને કારણે 7 ઑક્ટોબરથી ઉત્તર, પૂર્વ અને મધ્ય ભારતમાં હવામાનમાં મોટો ફેરફાર આવવાની શક્યતા છે. કુલ 28 રાજ્યો માટે વિવિધ તીવ્રતાના એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. કેટલાક વિસ્તારોમાં તીવ્ર પવન, ગાજવીજ અને વરસાદ અથવા હિમવર્ષાનું જોખમ જણાવવામાં આવ્યું છે.
બીજી તરફ, ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર રીતે વિદાય થઈ ચૂકી હોવાથી રાજ્યમાં 7 થી 12 ઑક્ટોબર સુધી વરસાદની કોઈ શક્યતા નથી અને હવામાન મોટેભાગે શુષ્ક રહેશે. IMDનું મુખ્ય નિર્દેશ IMD કહે છે કે 7 ઑક્ટોબરથી દેશના ઉત્તરીય, પૂર્વી અને મધ્ય ભાગમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસરકારક રહેશે.
દિલી-NCR અને અન્ય રાજ્યોમાં આગાહી
દિલી-NCR, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં આવતીકાલે 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી પવન ફૂંકવાની સાથે ગાજવીજ અને વરસાદનો ખતરો છે. બિહાર, પૂર્વી મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પણ તોફાની પવન અને વીજળી સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
ગુજરાતમાં હવામાન IMD એ જણાવ્યું છે કે ચોમાસાની વિદાય બાદ ગુજરાત પર કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય નથી. તેથી 7 ઑક્ટોબરથી 12 ઑક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં હવામાન મોટેભાગે કોરું અને શુષ્ક રહેશે. સવાર અને રાત્રીમાં થોડી રાહત રહે તેવી શક્યતા છે, પરંતુ બપોરે સૂર્યનું આકરું તાપ અને ભેજને કારણે ગરમી અને ઉકળાટ અનુભવાવા શકે છે.
અન્ય રાજ્યોમાં હવામાનની સ્થિતિ
હિમાલયી વિસ્તારોમાં હિમવર્ષા અને તીવ્ર પવન હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને લદાખના ઊંચા વિસ્તારમાં હળવી બરફવર્ષા થવાની શક્યતા છે, જ્યારે અન્ય ભાગોમાં ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની ચેતવણી છે. અહીં પવનની ઝડપ 40થી 50 કિમી/કલાકથી વધીને 60 કિમી/કલાક સુધી પહોંચી શકે છે.
ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં ફેરફાર જોવા મળશે અને કેટલાક જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરાયો છે. આવતીકાલે 30થી 40 કિલોમીટર/કલાકની ઝડપે પવન સાથે વરસાદની સંભાવના છે.
પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં 7 થી 12 ઑક્ટોબર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે તેજ પવન અને હળવા થી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. બિહાર અને ઝારખંડમાં પણ વીજળીના કડાકા સાથે પવન ફૂંકવાની શક્યતા છે.
પશ્ચિમ બંગાળ, ઓડિશા અને સિક્કિમમાં પણ આગામી 5 દિવસ દરમ્યાન વરસાદી ગતિવિધિ ચાલુ રહેવાની શક્યતા છે. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં હવામાન તોફાની બની શકે છે અને સ્થાનિક લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં આગામી 3થી 4 દિવસ હવામાન મોટેભાગે સૂકું રહેશે, પરંતુ સપ્તાહના અંતે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય થવાને કારણે 10 થી 12 ઑક્ટોબર દરમિયાન હળવા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.
દક્ષિણ ભારતમાં તામિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, રાયલસીમા, પુડુચેરી તેમજ મહારાષ્ટ્રના કોનકણ અને ગોવા પંથકમાં પણ પવન અને ગાજવીજ સાથે હળવો થી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે.