હાથીખાનાના મકાનમાં બ્લાસ્ટ
હાથીખાનાના મહાવત ફળિયામાં સોમવારે સાંજે એક મકાનમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં એક જ પરિવારના દાઝી ગયેલા સભ્યોમાં વધુ એકનું મોત થતાં કુલ મૃત્યુઆંક ૨ થયો છે. બુધવારે મેહમૂદાબેન ફિરોજભાઇ મલેક (ઉં.વ. ૪૫)નું મોત થયું હતું અને આજે વસીમ ફિરોજભાઇ મલેક (ઉં.વ. ૨૮)નું મૃત્યુ નોંધાયું છે.
પ્રાથમિક તપાસમાં બ્લાસ્ટ ગેસ લીકેજને કારણે થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાના સમયે પરિવાર બહાર ગયેલા હોવાને કારણે મકાન બંધ હતું અને મકાન ખોલીને એસી કે ગેસ ચાલુ કરવા જતાં જ બ્લાસ્ટ થયો હોવાની શક્યતા છે.
હાલ મૃત્યુ સંખ્યા બે નોંધાઇ છે અને અન્ય ઘાયલ લોકો સારવાર હેઠળ છે. કુંભારવાડા પોલીસ સ્ટેશનના પી.આઇ. બી.આર. ગૌડનું કહેવું છે કે ઘટનાની સાચી હકીકત જાણવા માટે એફ.એસ.એલ., વીજ કંપની અને ગેસ કંપનીના રિપોર્ટ માગવામાં આવ્યા છે અને તેમનો રિપોર્ટ આવ્યા પછી જ નિર્ધારિત કારણ જાહેર થશે.