ગાંધીનગર મનપા ચૂંટણી: કોંગ્રેસનું રોજગાર, ટેક્સમુક્તિ અને મફત સેવાઓનું ઢંઢેરો

ગાંધીનગર મનપા ચૂંટણી, કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર:10,000 યુવાઓને રોજગારનું વચન, ટેક્સમુક્તિ અને મફત સુવિધાઓના વચનોની ઝડી

ગાંધીનગરના રાજકીય સમીકરણોમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગરમાવો આવી ગયો છે.ત્યારે પાટનગરના વિકાસ અને નાગરિકોના મૂળભૂત અધિકારોને કેન્દ્રમાં રાખીને કોંગ્રેસ પાર્ટીએ પોતાનો મહત્ત્વાકાંક્ષી ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ગાંધીનગરને દેશનું નંબર વન ગ્રીન, ક્લીન અને આધુનિક નગર બનાવવાની નેમ સાથે મેદાનમાં ઉતરેલી કોંગ્રેસે શહેરીજનોના જીવનધોરણને ઊંચું લાવવા માટે અનેકવિધ લોકઉપયોગી ઘોષણાઓ કરી છે, જેમાં રોજગારી, શિક્ષણ, આરોગ્ય અને કર રાહતોને પ્રાથમિકતા આપવામાં આવી છે.

રોજગાર
ગાંધીનગર મહા નગર પાલિકા ચૂંટણી જંગને લઈ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ આજે ચુંટણી ઢંઢેરો જાહેર કર્યો છે.પાટનગરના બેરોજગાર યુવાવર્ગને આર્થિક રીતે સધ્ધર કરવા માટે પક્ષ દ્વારા દસ હજાર નવી રોજગારીની તકો ઊભી કરવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ સાથે જ વહીવટી તંત્રમાં પ્રવર્તતી અનિશ્ચિતતાને દૂર કરવાના ભાગરૂપે ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ તેમજ આઉટસોર્સિંગ જેવી શોષણયુક્ત પ્રથાઓને સંપૂર્ણપણે નાબૂદ કરીને લાયક યુવાનોને 100 ટકા કાયમી ધોરણે સરકારી નોકરીની સલામતી પૂરી પાડવાની ગેરંટી આપવામાં આવી છે.
આ મોરચે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના વિવિધ વિભાગોમાં ડ્રાઇવર, કંડક્ટર, સફાઈ કામદાર, આશાવર્કર સહિતના કર્મચારીઓને સન્માનજનક પગારધોરણ સાથે કાયમી કરવાની ઘોષણાથી યુવા વર્ગમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.શૈક્ષણિક ક્ષેત્રે ગાંધીનગરને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે કોંગ્રેસે ખાનગી શિક્ષણના વેપારીકરણ પર કડક રોક લગાવવાની ખાતરી આપી છે.

શિક્ષણ
મહાનગરપાલિકા હસ્તકની શાળાઓનું સ્તરીકરણ ઉચ્ચકક્ષાનું બનાવીને ત્યાં આધુનિક સુવિધાઓ, એક્સપર્ટ શિક્ષકો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની તાલીમ માટેના વિશેષ વર્ગો શરૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓની પઠન સંસ્કૃતિને વેગ આપવા માટે સમગ્ર શહેરમાં 365 દિવસ 24 કલાક ખુલ્લી રહે તેવી અધ્યતન અને નિઃશુલ્ક રીડિંગ લાઇબ્રેરીઓનું નેટવર્ક પથરાશે, જેથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવક-યુવતીઓને ખૂબ જ મોટો લાભ મળી રહેશે.

આરોગ્ય
આરોગ્ય ક્ષેત્રને પાયાના સ્તરે વધુ મજબૂત અને સર્વસુલભ બનાવવાની દિશામાં પાર્ટીએ દરેક વોર્ડમાં ‘તિરંગા ક્લિનિક’ શરૂ કરવાની ઘોષણા કરી છે જ્યાં નાગરિકોને નિઃશુલ્ક નિદાન અને સારવાર મળી રહેશે. આ સાથે જ અત્યાધુનિક પેથોલોજી લેબોરેટરીઝ, ઓક્સિજન અને વેન્ટિલેટર સુવિધા યુક્ત ‘લાઇફ ઓન વ્હીલ્સ’ એમ્બ્યુલન્સ સેવાઓ તથા ગરીબ પરિવારો માટે બે લાખ રૂપિયા સુધીનું પર્સનલ એક્સિડન્ટ વીમા કવચ પૂરું પાડવામાં આવશે, જેથી કોઈપણ નાગરિક સારવારના અભાવે અસહાય ન બને.

કરવેરા
શહેરી ટેક્સ માળખામાં ક્રાંતિકારી ફેરફારો સૂચવતા કોંગ્રેસે જ્યાં સુધી પ્રજાને પૂરતી સુવિધા નહીં, ત્યાં સુધી પ્રજા પાસેથી ટેક્સ નહીં તેવું લોકઉપયોગી સૂત્ર આપ્યું છે. નવા સમાવિષ્ટ વિસ્તારો અને ગામડાઓમાં શહેરી સુવિધાઓ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી તેને સંપૂર્ણપણે ટેક્સ ફ્રી રાખવાની બાંહેધરી આપવામાં આવી છે. આ ઉપરાંત, સ્ટાર્ટઅપ શરૂ કરતા યુવા સાહસિકોને પાંચ વર્ષ સુધી પ્રોપર્ટી ટેક્સમાંથી સંપૂર્ણ મુક્તિ આપવાની અને પ્રોપર્ટી ટેક્સ પરનું વ્યાજ 18 ટકાથી ઘટાડીને માત્ર 5 ટકા કરવાની જાહેરાતથી મધ્યમ વર્ગ અને વેપારી વર્ગને મોટી રાહત મળશે.

મહિલા
મહિલા સશક્તિકરણ અને સુરક્ષાના મોરચે ‘પિંક વ્હીલ્સ’ અંતર્ગત મહિલાઓ માટે ખાસ પિંક બસ સેવા શરૂ કરવાની ઘોષણા કરાઈ છે, જેમાં તેમની મુસાફરી તદ્દન નિઃશુલ્ક રહેશે. મહિલાઓની સ્વાવલંબન યાત્રાને વેગ આપવા માટે કરાટે તાલીમ, મહિલા માલિકીની મિલકતો પર પ્રોપર્ટી ટેક્સમાં 50 ટકા રાહત, સેનેટરી પેડ વિતરણ કેન્દ્રો અને મહિલાઓ માટે વિશિષ્ટ જેન્ડર બજેટની જોગવાઈ કરવામાં આવી છે. આ જ ક્રમમાં સિનિયર સિટીઝનો માટે 24 કલાકની હેલ્પલાઇન, મફત આરોગ્ય તપાસણી કેન્દ્રો અને સિટી બસમાં નિઃશુલ્ક મુસાફરીની સુવિધા આપીને તેમના વૃદ્ધાવસ્થાના દિવસોને ચિંતામુક્ત બનાવવાનો પ્રયાસ કરાયો છે.

પર્યાવરણ
ગાંધીનગરને પર્યાવરણની દ્રષ્ટિએ પુનઃ દેશનું નંબર વન ગ્રીન કેપિટલ બનાવવા માટે કપાયેલા વૃક્ષોના બદલામાં પચાસ લાખ નવા વૃક્ષોનું વાવેતર અને જતન કરવાનો મહત્ત્વનો સંકલ્પ લેવાયો છે. પર્યાવરણને નુકસાન પહોંચાડતા પદાર્થો પર પ્રતિબંધ મૂકીને ઇકો-ફ્રેન્ડલી પેકિંગને પ્રોત્સાહન અપાશે તેમજ પેથાપુર નજીક આવેલી હાલની ડમ્પિંગ સાઈટને માનવવસ્તીથી દૂર અન્યત્ર ખસેડીને શહેરીજનોને પ્રદૂષણ મુક્ત વાતાવરણ પૂરું પાડવામાં આવશે.