અમદાવાદ-ગાંધીનગર સહિત 6 જિલ્લાઓ માટે આગામી 3 કલાક અતિભારે વરસાદનું રેડ એલર્ટ; રાજ્યના અન્ય વિસ્તારોમાં ઓરેન્જ અને યલો એલર્ટ

ગુજરાતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

હવામાન વિભાગે સવારે 10:00 થી આગામી 3 કલાક (બપોરના 1:00 વાગ્યા સુધી) માટે ગુજરાતમાં નાઉકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં ઓરેન્જ અને યલો એલર્ટ પણ જણાવવામાં આવ્યા છે અને નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.

રેડ એલર્ટ હેઠળના જોખમો

હવામાન વિભાગે કુલ 6 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યો છે: અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર. રેડ એલર્ટ હેઠળ શક્ય જોખમો તરીકે હવામાન વિભાગે જણાવ્યું છે: પ્રતિ કલાક 15 મિમીથી વધુ ભારે વરસાદ; પવનની ઝડપ 41 થી 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા; વીજળી પડવાની સંભાવના 60 ટકાથી વધુ.

ઓરેન્જ અને યલો એલર્ટ

રાજ્યના મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ઓરેન્જ એલર્ટવાળા જિલ્લાઓમાં બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, આણંદ, નવસારી, તાપી, નર્મદા, સુરત, પંચમહાલ, દાહોદ, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, ડાંગ, વલસાડ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.

યલો એલર્ટ સામે ધ્યાન આપવાનું સૂચવાયું છે, જેમાં કચ્છ, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે.

નાગરિકો માટે સુચનાઓ

હવામાન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા લોકોને આ સમયગાળા દરમિયાન સાવચેતી રાખવા, ખુલ્લા સ્થળો તથા વીજળીના થાંભલાઓથી દૂર રહેવા અને જરૂરી ત્યારે સુરક્ષિત આશ્રય લેવાની અપીલ કરવામાં આવી છે.