તમાકુ ઉત્પાદનોની તપાસમાં ગોબાચારીઃ ૪ એફડીએ અધિકારી સસ્પેન્ડ

તમાકુ ઉત્પાદનોની તપાસમાં ગોબાચારીઃ ૪ એફડીએ અધિકારી સસ્પેન્ડ

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે પ્રતિબંધિત તમાકુજન્ય પદાર્થો સામેની કાર્યવાહી દરમિયાન અનિયમિતતાઓ અંગેના અહેવાલને આધારે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)ના ૪ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે અને અન્ય ૨૧ અધિકારીઓ સામે ખાતાકીય તપાસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. થાણે અને માવળમાં થયેલી કાર્યવાહી અને તપાસના અહેવાલને ધ્યાનમાં રાખીને કુલ ૨૫ અધિકારીઓ સરકારી કાર્યવાહી હેઠળ આવ્યા છે.

સસ્પેન્ડ અને ખાતાકીય તપાસ અંગે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના મંત્રી નરહરિ ઝિરવાળે આ માહિતી આપી હતી. તપાસ એફડીએ કમિશનર તુકારામ મુંઢે દ્વારા હાથ ધરવામાં આવી હતી. ચાર અધિકારીઓની સસ્પેન્ડ કરીને તેમની સામે મહારાષ્ટ્ર નાગરિક સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, ૧૯૭૮ના નિયમ ૮ હેઠળ ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે.

સસ્પેન્ડ થયેલ અધિકારીઓમાં અન્ન સહઆયુક્ત દિગંબર ભોગાવડે, અન્ન સહાયક આયુક્ત યદુરાજ દહાતોંડે, અન્ન સુરક્ષા અધિકારી અશોક ઇલાગેર અને અન્ન સુરક્ષા અધિકારી સી.આર. સ્વામીનો સમાવેશ થાય છે. થાણે અને માવળમાં કરવામાં આવેલી કાર્યવાહી અને જપ્તીઓની તપાસ પહેલા ઊકેલી માહિતી મુજબ થાણેની હાઇ સ્ટ્રીટ ઇમ્પેક્સ એલએલપી અને માવળ તાલુકાની સોએક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સામે અલગ-અલગ કાર્યવાહી કરવામાં આવી.

હાઇ સ્ટ્રીટ ઇમ્પેક્સના મામલે સંબંધિત ઉત્પાદન પર “ખાદ્ય ઉપયોગ માટે નહીં, માત્ર હુક્કામાં ધૂમ્રપાન માટે” એવું સ્પષ્ટ લખેલું હોવા છતાં ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ પગલાં લેવામાં આવ્યા હતા. માવળ તાલુકાના ટાકવે સ્થિત સોએક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સામે એફડીએની સ્પેશિયલ ટીમે ૨ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ કાર્યવાહી કરી હતી. આ દરમિયાન ૫ લાખ ૪૮ હજાર ૪૮૮ કિલો પ્રતિબંધિત તમાકુજન્ય પદાર્થો જપ્ત કરાયા હતા અને તેની કિંમત અંદાજે રૂ. ૩૧.૬૭ કરોડ દર્શાવવામાં આવી હતી. સાથે જ કંપનીના એકમને સીલ કરવામાં આવ્યું હતું.

તપાસ અહેવાલમાં ઉલ્લેખ છે કે કેટલાક અધિકારીઓ પર દબાણ લાવવામાં આવ્યું હતું અને કાર્યવાહી અટકાવવા પ્રયાસ કરવામાં આવ્યા હતા. અહેવાલમાં સહાયક આયુક્ત પી.પી. સૂર્યવંશી સહિતના અધિકારીઓ પર દબાણ લાવવાની વાત વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર સૂર્યવંશીએ કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો હતો અને તેમને કારણે દર્શાવતા નોટિસ પણ ફટકારવામાં આવી હતી.