વડોદરા પાણી વિભાગમાં કોન્ટ્રાક્ટરો માટે નાણાકીય મર્યાદા વધારવાની દરખાસ્ત
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગમાં કોન્ટ્રાક્ટરોની નાણાકીય મર્યાદા વધારીને અંદાજિત ભાવ કરતાં ઊંચા ભાવે કામ આપવાની દરખાસ્તો રજૂ થતાં વિવાદ ઊભો થયો છે. પશ્ચિમ ઝોનમાં જગદીશ આર. પટેલ અને ઓનેસ્ટ એન્જિનિયર્સની ઈજારોની મર્યાદા વધારી આપવા વિશેના પ્રસ્તાવ અને દક્ષિણ ઝોનના બિલ પર આવેલા ભાવપત્રો સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરી દેવામાં આવ્યા છે.
પશ્ચિમ ઝોનમાં ઈજારો મર્યાદા વધારવાના પ્રસ્તાવો પશ્ચિમ ઝોનમાં પાણીની લાઈન નાખવા માટે વર્ષ 2024-25માં જગદીશ આર. પટેલને શરૂઆતમાં રૂ. 50 લાખની નાણાકીય મર્યાદામાં વાર્ષિક ઈજારો ફાળવાયા હતા. ત્યારબાદ બે તબક્કામાં રૂ. 50 લાખ અને રૂ. 70 લાખનો વધારો કરવામાં આવ્યો હતો. હવે નવો ઈજારો ન થાય ત્યાં સુધી સમયમર્યાદા લંબાવવા અને વધુ રૂ. 70 લાખની નાણાકીય મર્યાદા વધારવાની દરખાસ્ત રજૂ કરી છે. જો આ મંજૂર થાય તો મૂળ રૂ. 50 લાખનો ઈજારો વધારા સાથે રૂ. 2.40 કરોડ સુધી પહોંચશે.
તે જ રીતે પશ્ચિમ ઝોનમાં પાણીની લાઈન માટે ઓનેસ્ટ એન્જિનિયર્સને પણ વર્ષ 2024-25માં આરંભિક રૂ. 50 લાખની મર્યાદામાં ઈજારો ફાળવાયા હતાં અને બાદમાં રૂ. 50 લાખનો વધારો કરાયો હતો. હાલમાં નવો ઈજારો ન થાય ત્યાં સુધી સમયમર્યાદા લંબાવવા અને વધુ રૂ. 50 લાખનો વધારો કરવાની દરખાસ્ત રજૂ કરી છે. મંજૂરી મળે તો આ ઈજારાની કુલ નાણાકીય મર્યાદા રૂ. 1.50 કરોડ થશે.
દક્ષિણ ઝોનમાં નવી લાઈન્સ માટે ભાવપત્રો: દક્ષિણ ઝોનમાં નવી પાણીની લાઈન નાખવા માટે રૂ. 75 લાખના અંદાજથી ભાવપત્રો મંગાવવામાં આવ્યા હતા. તેમાં બરોડા સેનિટેશન દ્વારા અંદાજિત ભાવ કરતાં 14.11% વધુ દરે, એટલે કે રૂ. 85,58,250નો ભાવ રજૂ થયો છે. પરિણામે અંદાજ કરતા રૂ. 10,58,250 વધુ ખર્ચ થશે. આ દરખાસ્ત મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાઈ છે.
મુખ્ય લાઈનોના એર વાલ્વ બદલવાના કામ માટે ભાવપત્ર પાણીના મુખ્ય સ્ત્રોતોથી વિતરણ મથકો સુધી પહોચતી મુખ્ય લાઈન્સ પર લગાવેલા એર વાલ્વ બદલવાની કામગીરી માટે હોનેસ્ટ એન્જિનિયર્સે અંદાજિત રૂ. 74,63,472 સામે 13.75% વધુ એટલે કે રૂ. 84,89,699નો ભાવ રજૂ કર્યો છે. આ કામગીરીમાં પણ અંદાજ કરતા રૂ. 10,26,227 વધુ ખર્ચ થશે. આ પ્રસ્તાવ પણ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાયો છે.
સલાહકાર ફી અંગેનો પ્રસ્તાવ ઉપરોક્ત એર વાલ્વ બદલવાની કામગીરી માટે સલાહકાર તરીકે રાય ઇન્દ્રા પ્રાઇવેટ લિમિટેડને રૂ. 85,801 ચૂકવવાની દરખાસ્ત પણ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે.