યુનેસ્કોની ટેન્ટેટિવ લિસ્ટમાં ભારતના 5 નવા સ્થળો, કુલ સાઇટ્સ 78 સુધી પહોંચ્યાં

યુનેસ્કોની ટેન્ટેટિવ લિસ્ટમાં ભારતના 5 નવા સ્થળો

29-30 સપ્ટેમ્બર 2026 ના રોજ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ ટેન્ટેટિવ લિસ્ટમાં ભારતના 5 નવા સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો. આ સાથે ભારતની કામચલાઉ યાદીમાં હાજર સાઇટ્સની કુલ સંખ્યા 78 થઈ ગઈ છે. નવાં ઉમેરામાં મધ્યપ્રદેશના ચાર સ્થળો અને મહાત્મા ગાંધી સાથે જોડાયેલા ‘સત્યાગ્રહના સ્થળો’નો સમાવેશ થાય છે.

મધ્યપ્રદેશના નવા સ્થળો

મધ્યપ્રદેશના ચાર નવા સ્થળો નવા ઉમેરાયેલા 5 સ્થળોમાંથી 4 સ્થળો મધ્યપ્રદેશમાં આવેલાં છે:

  • બાઘની ગુફાઓ: ધાર જિલ્લામાં આવેલ પ્રાચીન બૌદ્ધ શૈલકૃત ગુફાઓ છે. અહીંના ભીંતચિત્રો ગુપ્તોત્તર કાળની ભારતીય ચિત્રકળાના મહત્વપૂર્ણ ઉદાહરણ ગણવામાં આવે છે અને તેમાં બૌદ્ધ વિષયો અને માનવજીવનના દૃશ્યો જોવા મળે છે.
  • ચંબલ ઘાટીના મંદિરો: ચંબલ ખીણમાં આવેલા પ્રાચીન મંદિઓનો સમૂહ છે, જે મધ્યકાલીન સનાતન મંદિર સ્થાપત્ય અને શિલ્પકળા માટે મહત્વપૂર્ણ છે અને વિવિધ ધાર્મિક પરંપરા તથા સ્થાનિક સ્થાપત્ય શૈલીનો વિકાસ દર્શાવે છે.
  • ઉદયગિરી ગુફાઓ: વિદિશા નજીક આવેલા ગુપ્ત યુગ (4–5મી સદી)ના શૈલકૃત ગુફાઓ છે. અહીં વરાહ અવતારનું વિશાળ શિલ્પ, શૈવ-વૈષ્ણવ મૂર્તિઓ અને સંસ્કૃત શિલાલેખો હાજર છે અને આ ગુપ્તકાલીન કલા તથા ધાર્મિક પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે.
  • ગિન્નોરગઢનો આદિવાસી વારસો: રાયસેન જિલ્લામાં આવેલ ઐતિહાસિક કિલ્લા-સ્થળ છે, જે સ્થાનિક આદિવાસી અને સાંસ્કૃતિક વારસાથી સંકળાયેલું છે. આ વિસ્તારની ભૌગોલિક સ્થિતિ, કિલ્લાકીય અવશેષો અને સ્થાનિક પરંપરાઓ તેને મહત્વપૂર્ણ વારસાસ્થળ બનાવે છે.

સત્યાગ્રહના સ્થળો

નવાં ઉમેરાયેલા પાંચમું સ્થળ એક સંયુક્ત (સીરિયલ ટ્રાન્સનેશનલ) પ્રસ્તાવ છે જેમાં મહાત્મા ગાંધી સાથે જોડાયેલી કુલ 9 સ્થળોને સાંકળવામાં આવ્યું છે. આ પ્રસ્તાવમાં ભારતના 7 ઘટકો અને દક્ષિણ આફ્રિકાના 2 ઘટકો શામેલ છે.

ભારતના ઘટકો: સાબરમતી આશ્રમ (અમદાવાદ), મણિ ભવન (મુંબઈ), હરિજન સેવક સંઘ પરિસર, સેવાગ્રામ આશ્રમ (વર્ધા), આગા ખાન પેલેસ (પુણે), ગાંધી સ્મૃતિ નિવાસ (નવી દિલ્હી), મહાત્મા ગાંધી સત્યાગ્રહ સ્મારક.

દક્ષિણ આફ્રિકાના ઘટકો: પીટરમારિટ્ઝબર્ગ રેલવે સ્ટેશન, ફોનિક્સ સેટલમેન્ટ.

યુનેસ્કો ટેન્ટેટિવ લિસ્ટ શું છે?

યુનેસ્કોનું ટેન્ટેટિવ લિસ્ટ એ સત્તાવાર યાદી છે જેમાં કોઈ દેશ ભવિષ્યમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નામાંકિત કરવા માગે છે તેવી મિલકતોને દાખલ કરે છે. કોઈપણ સ્થળને વર્લ્ડ હેરિટેજ તરીકે પ્રસ્તાવિત કરવા પહેલા તે ટેન્ટેટિવ લિસ્ટમાં સમાવિષ્ટ હોવું ફરજિયાત છે.