PGVCLના જામનગર સર્કલને ગૌરવ: જામનગર આર.એસ.ઓ. અને જામજોધપુર ડિવિઝનલ સ્ટોરને આંતરરાષ્ટ્રીય ISO 9001:2015 અને ISO 10002:2018 પ્રમાણપત્રો એનાયત

PGVCLના જામનગર સર્કલને ISO પ્રમાણપત્ર

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)ના જામનગર વર્તુળ કચેરી હેઠળ કાર્યરત રિજનલ સ્ટોર ઓફિસ (આર.એસ.ઓ.), જામનગર અને જામજોધપુર ડિવિઝનલ સ્ટોરને આંતરરાષ્ટ્રીય ગુણવત્તા વ્યવસ્થાપન ધોરણ ISO 9001:2015 તથા ગ્રાહક ફરિયાદ નિવારણ અને ગ્રાહક સંતોષ વ્યવસ્થાપન ધોરણ ISO 10002:2018 અનુસાર પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે. આ પ્રમાણપત્રો દ્વારા બંને સ્ટોરની કામગીરીમાં ગુણવત્તાયુક્ત વ્યવસ્થાપન, કાર્યપદ્ધતિમાં પારદર્શિતા, સુવ્યવસ્થિત દસ્તાવેજીકરણ અને ગ્રાહક સંતોષ પ્રત્યેની પ્રતિબદ્ધતાને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે.

પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર ચુડાસમાએ જામનગર વર્તુળ કચેરીની કામગીરીની વિશેષ પ્રશંસા કરી છે. આ સિદ્ધિ હાંસલ કરવામાં અધિક્ષક ઇજનેર એચ.ડી.વ્યાસનું સતત માર્ગદર્શન, ચીફ એન્જિનિયર બી.ડી.પરમારની પ્રેરણા તથા ચીફ એન્જિનિયર વાય.આર.જાડેજાનો સહકાર મહત્વપૂર્ણ રહ્યો છે. આર.એસ.ઓ. જામનગર અને જામજોધપુર ડિવિઝનલ સ્ટોરના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની મહેનત, ટીમવર્ક અને સમર્પણનો પણ નોંધપાત્ર ફાળો રહ્યો છે.

પ્રમાણપત્રોની પ્રાપ્તિથી જામનગર સર્કલની કામગીરીને નવી ઓળખ મળી છે અને આ સિદ્ધિ ભવિષ્યમાં ગુણવત્તાયુક્ત સેવાઓ, કાર્યક્ષમ વહીવટ, પારદર્શિતા અને ગ્રાહક સંતોષના ક્ષેત્રે વધુ સારી કામગીરી માટે પ્રેરણા રૂપ બનશે. પીજીવીસીએલ માટે આ સિદ્ધિ માત્ર પ્રમાણપત્રોથી વધુ, ગુણવત્તા અને સતત સુધારણા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક માનવામાં આવી રહી છે.