અમદાવાદ: હોટલ હયાતે બે કોફી પર ખોટા સર્વિસ ચાર્જ અને GST વસૂલ્યા, ગ્રાહકને રૂ.4,040 વળતર ચૂકવવા આદેશ

હોટલ હયાતે ખોટા સર્વિસ ચાર્જ અને GST વસૂલ્યા

અમદાવાદની વસ્ત્રાપુરમાં આવેલી હોટલ હયાતે બે કોફી માટે ગેરકાયદે સર્વિસ ચાર્જ અને GST વસૂલવાના કારણે ગ્રાહકને ન્યાય મળ્યો છે. અમદાવાદ ગ્રામ્ય જિલ્લા ગ્રાહક તકલીફ નિવારણ પંચે હોટલને વસૂલેલી રકમ વ્યાજ સાથે પરત કરવા અને માનસિક યાતના તથા કાનૂની ખર્ચ માટે કુલ રૂ. 4,040 30 દિવસમાં ચૂકવવાનો આદેશ કર્યો છે.

ઘટનાની વિગત સાયન્સ સિટી રોડ પર આવેલા સપ્તક બંગ્લોઝમાં રહેતા રોહિત પટેલે 11 સપ્ટેમ્બર 2025ના રોજ વસ્ત્રાપુરની હોટલ હયાતમાં બે કોફીનો ઓર્ડર આપ્યો હતો. બિલમાં બંને કોફી માટે કુલ રકમ રૂ. 854 દર્શાવવામાં આવી હતી અને તેમાં ફરિયાદ અનુસાર રૂ. 62 GST અને રૂ. 34.50 સર્વિસ ચાર્જ વસૂલવામાં આવ્યા હોવાનું જણાવાયું હતું.

ફરિયાદ અને સુનાવણી રોહિત પટેલે હોટલ દ્વારા ખોટી રીતે ચાર્જ વસૂલવામાં આવ્યા હોવાનું કહેતાં અમદાવાદ ગ્રામ્ય જિલ્લા ગ્રાહક તકલીફ નિવારણ પંચમાં ફરિયાદ નોંધાવી હતી. હોટલ તરફથી કોઈ પ્રતિકાર અથવા પ્રતિનિધિ હાજર ન હોવાથી પંચે કેસની સુનાવણી એકતરફી (ex parte) રીતે ચલાવી હતી.

પંચનું અવલોકન અને આદેશ પંચે ફરિયાદી પાસેથી રજૂ કરાયેલા પુરાવા અને સંબંધિત કાયદા તથા હાઈકોર્ટના ચુકાદાનો પરિપ્રેક્ષ્ય ધ્યાનમાં લઈને નિણર્મય કર્યો કે હોટલે ગેરવ્યાજબી રીતે વસૂલેલા સર્વિસ ચાર્જ રૂ. 34.50 અને GST રૂ. 6 (કુલ રૂ. 40.50) પરત કરવાનાં યોગ્ય છે. પંચે આ વસૂલાત પર 9% વ્યાજ લાગુ કરીને તે રકમ પરત કરવાની સૂચના આપી છે.

આ ઉપરાંત, પંચે ફરિયાદીને થયેલી માનસિક યાતનાના વળતર તરીકે રૂ. 2,000 અને કેસના કાનૂની ખર્ચ માટે રૂ. 2,000 આપવા હુકમ કર્યો છે. આવા સમકુલ હિસાબ મુજબ હોટલને કુલ રૂ. 4,040 ચુકવવાની ફરજ લાગે છે અને તે ચૂકવણી માટે 30 દિવસની સમયમર્યાદા આપવામાં આવી છે.

ગ્રાહકની બીજી માગ અને પંચની સ્પષ્ટતા ફરિયાદીએ હોટલ સામે રૂ. 1 લાખ કન્ઝ્યુમર વેલ્ફેર ફંડમાં જમા કરાવવા જેવી માગ પણ કરી હતી. પંચે જણાવ્યું કે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019ની કલમ-39(1)(k) મુજબ એવું આદેશ ત્યારે જ આપી શકાય છે જ્યારે મોટા પ્રમાણમાં ગ્રાહકો પ્રભાવિત થયા હોવાની વિશ્વસનીય સાક્ષીઓ હોય. આ કેસમાં હોટલે અગાઉ કેટલા ગ્રાહકો પાસેથી આવી રીતે ચાર્જ વસૂલ્યા છે અને કેટલા ગ્રાહકો અસરગ્રસ્ત થયા છે તે અંગે કોઈ વિશ્વસનીય પુરાવા ન હોવાથી તે માગ મંજૂર કરવામાં આવી નહોતી.