ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળના ભારતીય હવામાન વિભાગ (IMD), અમદાવાદ દ્વારા આજે સવારે 10:00 વાગ્યે જારી કરવામાં આવેલા નાઉકાસ્ટ બુલેટિન અનુસાર, ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 કલાક દરમ્યાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પ્રબળ સંભાવના છે. આ એલર્ટ દરમિયાન કેટલાક વિસ્તારોમાં બપોરે 1:00 વાગ્યા સુધી સ્થિતિ ગંભીર રહી શકે છે.
રેડ અને ઓરેન્જ એલર્ટ
રાજ્યના 19 જિલ્લાઓમાં રેડ એલર્ટ અને 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. નાગરિકોને સાવચેત રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરવામાં આવી છે.
રેડ એલર્ટ કયા જિલ્લાઓમાં?
હવામાન વિભાગ મુજબ રેડ એલર્ટ હેઠળ આવતા જિલ્લાઓમાં સામેલ છે: સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, વડોદરા, આણંદ, ખેડા, અરવલ્લી, મહેસાણા, રાજકોટ, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, જામનગર અને ભરૂચ. રેડ એલર્ટ વિસ્તારોમાં પ્રતિ કલાક 15 mm કે તેથી વધુ ધોધમાર વરસાદ પડી શકે છે, પવનની ગતિ 41થી 61 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે અને જમીનની ઉપર ગાજવીજ સાથે વીજળી પડવાની સંભાવના 60 ટકાથી વધુ છે.
ઓરેન્જ એલર્ટ કયા જિલ્લાઓમાં?
ઓરેન્જ એલર્ટ નીચેના જિલ્લાઓમાં જાહેર કરાયું છે: બનાસકાંઠા, પાટણ, કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા તથા નગર હવેલી. ઓરેન્જ એલર્ટવાળા વિસ્તારોમાં પ્રતિ કલાક 5 થી 15 mm સુધીના દરે મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન વિભાગની ચેતવણીઓ
હવામાન વિભાગ સૂચવે છે કે રેડ અને ઓરેન્જ એલર્ટ ધરાવતા વિસ્તારોમાં ભારે પાણી ભરાવાની પરિસ્થિતિ, નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ અને ટ્રાફિકજામ થઈ શકે છે. નાગરિકોને અનાવશ્યક મુસાફરી ટાળવાની, જૂના કે જર્જરિત મકાનોથી તથા ઊંચા ઝાડોથી દૂર રહેવાની અને વીજળીની કડાકા દરમિયાન સલામત સ્થળે આશરો લેવાની સલાહ આપવામાં આવી છે.