શી જિનપિંગે અમેરિકાને બે જાયન્ટ પાંડા આપવાની જાહેરાત કરી
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકાને બે જાયન્ટ પાંડા આપવાની જાહેરાત કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે નર પાંડા પિંગ પિંગ અને માદા પાંડા ફૂ શ્વાંગ ટૂંક સમયમાં એટલાન્ટા ઝૂમાં આવશે અને અમેરિકન લોકો સાથે પરિચય કરશે. શી જિનપિંગે તેમને ચીન અને અમેરિકાના લોકો વચ્ચે ‘મિત્રતાના દૂત’ ગણાવ્યા છે.
પાંડા ક્યારે મોકલાશે તેની ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી. સંશોધન કરાર અને પાંડા મોકલવાની યોજના આ પગલું ચાઇના વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન એસોસિએશન (CWCA) અને એટલાન્ટા ઝૂ વચ્ચે એપ્રિલમાં થયેલા નવા સંશોધન કરાર હેઠળ લેવામાં આવ્યા છે. કરાર અંતર્ગત ચેંગડુ રિસર્ચ બેઝ ઓફ જાયન્ટ પાંડા બ્રીડિંગમાંથી નર પાંડા પિંગ પિંગ અને માદા પાંડા ફૂ શ્વાંગને એટલાન્ટા ઝૂ મોકલવાની યોજના બનાવવામાં આવી છે.
પાંડા ડિપ્લોમસીનો ઇતિહાસ
પાંડા ડિપ્લોમસીનો ઇતિહાસ અને અર્થ જાયન્ટ પાંડા ચીન માટે માત્ર વન્યજીવ સંરક્ષણનું પ્રતીક જ નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક અને રાજદ્વારી સંબંધોમાં પણ ખાસ સ્થાન ધરાવે છે. અમેરિકા–ચીન વચ્ચે પાંડા ડિપ્લોમસીનો ઇતિહાસ જૂનો છે. 1972માં અમેરિકાના રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સનની ચીન મુલાકાત દરમિયાન ચીની પ્રીમિયર ઝોઉ એનલાઈએ એ સમય અમેરિકા માટે ‘લિંગ-લિંગ’ અને ‘હ્સિંગ-હ્સિંગ’ નામના બે પાંડા ભેટમાં આપ્યા હતાં.
તેઓ વોશિંગ્ટન ડીસીના નેશનલ ઝૂમાં રાખવામાં આવ્યા હતા અને વર્ષો સુધી લોકો માટે વિશેષ આકર્ષણ રહ્યા. ત્યારથી ચીન અન્ય દેશોમાં જાયન્ટ પાંડા મોકલવાની પરંપરા સ્થાપિત થઈ અને તેને ‘પાંડા ડિપ્લોમસી’ તરીકે ઓળખ મળી.
સંરક્ષણ અને વૈજ્ઞાનિક સહકાર સ્રોત મુજબ પાંડા મોકલવાની દરેક પહેલમાં માત્ર રાજદ્વારી સંદેશ જ નહીં, પરંતુ સંરક્ષણ, સંશોધન, પ્રજનન અને વન્યજીવ સંરક્ષણ સંબંધિત વૈજ્ઞાનિક સહકાર પણ મુખ્ય ભાગ હોય છે. નવી પાંડા પહેલમાં પણ આ પ્રકારના વૈજ્ઞાનિક અને સંરક્ષણ આધારિત સહકારને મહત્વ આપવામાં આવી રહ્યું છે.
ટ્રમ્પ-જિનપિંગ મુલાકાતની પૃષ્ઠભૂમિ સૂત્રોની માહિતી પ્રમાણે પાંડા મોકલવાની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે મુલાકાત થઈ હતી. બેઠક દરમિયાન બંને નેતાઓએ સંબંધો અને સહકાર વિશે સકારાત્મક ચર્ચા કરી હતી અને આ પરિપ્રેક્ષ્યમાં પાંડા મોકલવાની જાહેરાતને બંને દેશોના લોકો વચ્ચે સંબંધો અને સાંસ્કૃતિક સંપર્ક વધારવાનો પ્રતીકાત્મક પગલુ માનવામાં આવી રહ્યું છે.