ગાંધીનગર મનપા ચૂંટણી: પોલિંગ એજન્ટની મતદાર યાદી બુથની બહાર લઈ જવાની મનાઈ

ગાંધીનગર મનપા ચૂંટણીમાં મહત્વપૂર્ણ હુકમ

ગાંધીનગર મનપા ચૂંટણી: પોલિંગ એજન્ટની માર્ક કરેલી મતદાર યાદી બુથની બહાર લઈ જવા પર પ્રતિબંધ. ગાંધીનગર તા. 1 ઓક્ટોબર : ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયાને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ હુકમ કરવામાં આવ્યો છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા ચૂંટણી કાર્યક્રમ મુજબ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે 11 ઓક્ટોબર, 2026ના રોજ મતદાન અને 13 ઓક્ટોબર, 2026ના રોજ મતગણતરી યોજાવાની છે.

ચૂંટણી પ્રક્રિયા સુચારૂ, પારદર્શક અને નિયમો અનુસાર યોજાય તે હેતુથી ગાંધીનગર જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રવિન્દ્ર ખતાલે દ્વારા આ મહત્વપૂર્ણ હુકમ જારી કરવામાં આવ્યો છે. હુકમ મુજબ મતદાનના સમય દરમિયાન પોલિંગ એજન્ટ દ્વારા માર્ક કરવામાં આવેલી મતદાર યાદીની નકલ કોઈપણ સંજોગોમાં મતદાન મથકની બહાર લઈ જઈ શકાશે નહીં.

પોલિંગ એજન્ટે મતદાન પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીમાં મતદારોની વિગતો માર્ક કર્યા બાદ મતદાન મથક છોડતા પહેલાં આ માર્ક કરેલી મતદાર યાદી પ્રિસાઇડીંગ અધિકારીને પરત સોંપવાની રહેશે. મતદાર યાદી પ્રિસાઇડીંગ અધિકારીને સોંપ્યા બાદ જ પોલિંગ એજન્ટને મતદાન મથકની બહાર જવાની મંજૂરી આપવામાં આવશે.

મતદાન પ્રક્રિયા દરમિયાન પોલિંગ એજન્ટની માર્ક કરેલી મતદાર યાદી બુથની બહાર ન લઈ જવાની જોગવાઈ ચૂંટણી પ્રક્રિયાની વ્યવસ્થા સાથે સંબંધિત છે. ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકામાં પણ મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી પોલિંગ એજન્ટની મતદાર યાદીની નકલ મતદાન મથકની બહાર લઈ જવાની મંજૂરી ન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગાંધીનગર જિલ્લા મેજિસ્ટ્રેટનો આ હુકમ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર તમામ સંબંધિત વિસ્તારોમાં તા. 11 ઓક્ટોબર, 2026ના રોજ મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે લાગુ કાયદા અને નિયમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તમામ પોલિંગ એજન્ટો અને સંબંધિત વ્યક્તિઓએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશનું પાલન કરવાનું રહેશે.