સિવિલ હોસ્પિટલમાં નવજાતોને સફળતાપૂર્વક સાજા કર્યા
અમદાવાદ લાગૂ સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગે અત્યંત નાજુક સ્થિતિમાં આવેલા બે નવજાત શિશુઓને સફળતાપૂર્વક સાજા કરી તેમને હોસ્પિટલમાંથી રજા આપી છે. તબીબી ટીમ અને નર્સિંગ સ્ટાફની સતત મહેનત, આધુનિક સારવાર અને સતત દેખરેખને ધ્યાનમાં લઈને 26 અઠવાડિયે જન્મેલા 1 કિલોના પ્રિમેચ્યોર બાળક અને પૂર્ણ ગર્ભકાળના ગંભીર ચેપગ્રસ્ત બાળકને આરોગ્યપ્રદ બનાવીને ઘરે મોકલવામાં આવ્યા છે.
પ્રથમ કિસ્સો: 1 કિલોના પ્રિમેચ્યોર બાળક
26 અઠવાડિયે જન્મેલા 1 કિલોના પ્રિમેચ્યોર ગર્ભાવસ્થાના માત્ર 26મા અઠવાડિયે જન્મેલા પ્રિમેચ્યોર બાળકને જન્મ સમયે ફેફસાં અને અન્ય અગત્યના અંગો અપૂર્ણવિકસિત હોવાથી તરત જ શ્વાસ લેવામાં મુશ્કેલી હતી. ડિલિવરી રૂમથી જ કૃત્રિમ શ્વાસની વ્યવસ્થા કરી બાળકને NICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં દૂધ ન પચતા નસ મારફતે જરૂરી પોષણ આપી રહ્યા હતા. ધીરે-ધીરે બાળકની સ્થિતિમાં સુધારો થતા ચમચી-વાટકીથી માતાનું દૂધ આપવાનું શરૂ કરાયું. સારવારના 81મા દિવસથી બાળક વધારાના ઓક્સિજન વિના કુદરતી રીતે શ્વાસ લેવાનું શરૂ કર્યું અને કુલ 84 દિવસની સઘન સારવાર બાદ બાળકનું વજન 1.8 કિલોગ્રામ થયું. RSV સામે રક્ષણ માટે Nirsevimab દવા અને શ્રવણ ક્ષમતા તપાસ પછી બાળકને સ્વસ્થ અવસ્થામાં રજા આપવામાં આવી હતી.
બીજો કિસ્સો: ગંભીર ચેપગ્રસ્ત બાળક
39 અઠવાડિયાના પૂર્ણ ગર્ભકાળ બાદ ચીપિયાની મદદથી પ્રસૂતિ દ્વારા જન્મેલા બાળકને જન્મતાની સાથે જ શ્વાસ લેવામાં તકલીફ હોવાથી તરત જ NICUમાં દાખલ કરવામાં આવ્યો. પ્રારંભિક દિવસોમાં બાળકને ગંભીર ચેપ, મગજમાં લોહી ગંઠાવાનો અને ખેંચ આવવાની સમસ્યા થઈ. બાળકીની સમીક્ષા અને સારવાર માટે તેને પ્રથમ CPAP પર રાખવામાં આવ્યું અને પછી વેન્ટિલેટર પર લેવાયા. સઘન સારવાર દરમિયાન બાળકને 8 દિવસ વેન્ટિલેટર, 10 દિવસ CPAP અને 6 દિવસ HFNC સપોર્ટની જરૂર પડી. તબીબી ટીમની સતત સંભાળથી ધીમે ધીમે શ્વાસની સ્થિતિમાં સુધારો થયો અને બાળક વધારાના ઓક્સિજન વિના કુદરતી રીતે શ્વાસ લઇ રહ્યો છે. બાળકના લોહી અને CSFના કલ્ચર રિપોર્ટમાં મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ બેક્ટેરિયલ ચેપ હોવાનું જાણવા મળ્યું.
NICU ઇન્ચાર્જ ડૉ. ચારુલ મહેતા, ડૉ. અનુયા ચૌહાણ, ડૉ. માનસી શાહ અને ડૉ. કોમલ ચૌધરીની તબીબી ટીમે રાષ્ટ્રીય માર્ગદર્શિકાઓ અનુસાર કલ્ચર રિપોર્ટને ધ્યાનમાં રાખીને જરૂરી એન્ટિબાયોટિકસ યોગ્ય સમયગાળાના ઉપયોગ કર્યા. પોષણ માટે શરૂઆતમાં નસ મારફતે આપવું પડ્યું, ત્યારબાદ રાઇલ્સ ટ્યુબ દ્વારા અને અંતે ધીમે ધીમે બાળક માતાનું ધાવણ લેવાનું શરૂ કર્યું. ગંભીર ચેપ સામેની લડતમાં સફળતા મળ્યા બાદ બાળકને સ્વસ્થ હાલતમાં રજા આપવામાં આવી.
સેવા અને પરિવારની પ્રત્યે કૃતજ્ઞતા ઉપરોક્ત બંને કેસોમાં ખાનગી હોસ્પિટલમાં લાખોના ખર્ચ પડે એવી સારવાર સિવિલ હોસ્પિટલમાં સંપૂર્ણ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી. બંને બાળકોની તબિયત સુધરતા તેમના પરિવારો દ્વારા સિવિલ હોસ્પિટલની તબીબી ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. તબીબી અધિકારીઓના નિવેદન સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોષીએ કહ્યું કે સમયસર નિદાન, આધુનિક સારવાર અને તબીબી ટીમની સમર્પિત મહેનતને કારણે શિશુઓને ગંભીર સ્થિતિમાંથી બહાર લાવીને સ્વસ્થ બનાવી શકાયું છે. NICU ઇન્ચાર્જ ડૉ. ચારુલ મહેતાએ જણાવ્યું કે અત્યંત ઓછા વજનવાળા પ્રિમેચ્યોર અને ગંભીર ચેપવાળા નવજાતોના સારવારમાં દરેક ક્ષણ મહત્ત્વપૂર્ણ હોય છે અને ટીમના સંકલિત પ્રયાસોથી સફળતા મળી છે. ડૉ. અનુયા ચૌહાણે કલ્ચર રિપોર્ટ આધારિત યોગ્ય દવાની પસંદગી, શ્વાસને સ્થિર રાખવુ અને પૂરતું પોષણ આપવાનું મહત્વ દર્શાવ્યું.