ગાંધીનગર વોર્ડ 3માં રાજસ્થાનીઓના વધતાં પ્રભાવથી પાર્ટીઓની રણનીતિ પર ચર્ચા

ગાંધીનગર વોર્ડ 3માં રાજસ્થાનીઓનો પ્રભાવ

ગાંધીનગરમાં રાજસ્થાનીઓના વધી રહેલા વર્ચસ્વને પગલે ભાજપની રણનીતિ ઉપર સૌની નજર છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે પાટનગરના વોર્ડ નં. ૩ માં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીઓએ પોતાના ઉમેદવારો લગભગ નક્કી કરી લીધા છે. જે પૈકી આમ આદમી પાર્ટી દ્વારા બે રાજસ્થાનીઓને ટિકિટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જ્યારે કોંગ્રેસે અપનાવેલા વ્યુહ મુજબ, ગાંધીનગરમાં દાયકાઓથી રહેતા અને રાજસ્થાન સમાજમાં અગ્રીમ નામ ધરાવતા અગ્રણીને ઉમેદવાર બનાવવાનું લગભગ નક્કી કરી દેવામાં આવ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. આવા સંજોગોમાં વોર્ડ નં. ૩ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા કેવી રણનીતિ અપનાવવામાં આવે એ બાબત ઉપર રાજસ્થાનીઓનું ધ્યાન કેન્દ્રિત થયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વોર્ડ નં. ૩ માં રાજસ્થાની લોકોનું પ્રભુત્વ ધરાવતા મતદારોની સંખ્યા નોંધનીય માત્રામાં હોવાને કારણે, ભારતીય જનતા પક્ષ દ્વારા પણ એક રાજસ્થાનીને ટિકિટ ફાળવવામાં આવે એવી એવી અપેક્ષા છે. ભારતીય જનતા પાર્ટીમાં રસ ધરાવતા અને ભા.જ.પ. ની વિચારધારાને વરેલા મતદારો સેવી રહ્યા છે.