આઇ-ખેડૂત પોર્ટલ 2.0 પર અરજીઓ ખોલાઈ
ગાંધીનગરમાં નાની-મોટી નર્સરી તથા બાગાયત ખાતાની નવી ૩ યોજનાઓ માટે આઇ-ખેડૂત પોર્ટલ 2.0 ખુલ્લું મૂકાયું છે. ફળ પાકોમાં ફિલ્ડ કવર, બહુસ્તરીય પદ્ધતિથી વાવેતર જેવી યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે.
ગાંધીનગર જિલ્લામાં રાષ્ટ્રીય બાગાયત મિશન યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૬-૨૭ માટે ‘નાની અને મોટી નર્સરી’ ઘટકમાં તેમજ ચાલુ વર્ષે મૂકવામાં આવેલ નવી ત્રણ યોજનાઓમાં સહાય આપવા માટે આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લું રાખવામાં આવ્યું છે. આ યોજનાઓનો લાભ લેવા માટે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા સામાન્ય જાતિના બાગાયતદાર ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે.
નાની અને મોટી નર્સરી યોજના માટે આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર તા. ૨૫/૧૦/૨૦૨૬ સુધી ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે. બાગાયત ખાતાની નવી ત્રણ યોજનાઓ માટે પોર્ટલ તા. ૩૦/૧૦/૨૦૨૬ સુધી ખુલ્લું રહેશે.
નવાં કાર્યક્રમો
આ નવી યોજનાઓમાં ફળ પાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ, બહુસ્તરીય પદ્ધતિથી ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ અને રાઈઝોમેટીક જેવા કે આદુ અને હળદરના પાકોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ (ફક્ત અનુસૂચિત જાતિના ખેડૂતો માટે) નો સમાવેશ થાય છે.
વિવિધ યોજનાઓમાં નિયમાનુસાર મળવાપાત્ર સહાયની વિગતો મુજબ, નાની નર્સરી યોજના હેઠળ ૦.૪૦ થી ૧.૦૦ હેક્ટર વિસ્તાર માટે ખર્ચના ૪૦% અથવા મહત્તમ રૂ. ૮ લાખ સુધીની પ્રો-રેટા સહાય મળવાપાત્ર રહે છે. જ્યારે મોટી નર્સરી યોજના હેઠળ ૧.૦૦ થી ૨.૦૦ હેક્ટર વિસ્તાર માટે ખર્ચના ૪૦% તથા મહત્તમ રૂ. ૨૪ લાખ સુધી સહાય મેળવી શકાશે.
ફળ પાકોમાં ફિલ્ડ કવરના કાર્યક્રમ અંતર્ગત સ્ટ્રક્ચર બનાવી સિન્થેટિક કાપડથી પાક ઢાંકી ખેતી કરવા માટે ૦.૨૦ થી ૧.૦ હેક્ટરની મર્યાદામાં ₹૫,૦૦,૦૦૦ પ્રતિ હેક્ટરના એકમ ખર્ચના ૪૦% અથવા મહત્તમ ₹૨,૦૦,૦૦૦ પ્રતિ હેક્ટર સહાય મળશે.
અરજી કરવા માટે લાભાર્થી ખેડૂતોએ સમયમર્યાદા દરમિયાન Ikhedut Portal 2.0 (www.ikhedut.gujarat.gov.in) પર નોંધણી કરાવ્યા બાદ જ ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરતી વખતે માર્ગદર્શિકા મુજબ જરૂરી સાધનિક કાગળો ઓનલાઈન અપલોડ કરી, વિગતો કન્ફર્મ કર્યા બાદ અરજીની પ્રિન્ટ મેળવી સાચવી રાખવાની રહેશે.
મંજૂરી મળ્યા પછી ક્લેઇમ સબમિટ કરતી વખતે આ સહી કરેલી અરજી અને જરૂરી દસ્તાવેજો જિલ્લા બાગાયત કચેરી ખાતે જમા કરાવવાના રહેશે. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીમાં સંપર્ક કરવા માટે જણાવાયું છે.