મંત્રી પરિષદની બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મંત્રી પરિષદની એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે. પીએમ ભારત-આસિયાન શિખર સંમેલનથી પરત ફર્યા બાદ આ બેઠક બોલાવી છે અને તેમાં શાસન, સુધારા તથા કલ્યાણકારી યોજનાઓને મહિલાઓ અને યુવાઓ સુધી અસરકારક રીતે પહોંચાડવાના મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના જોવા મળી રહી છે.
કેબિનેટ ફેરબદલની અટકળો વચ્ચે આ બેઠકના માધ્યમથી મંત્રીઓને સરકારના મુદ્દાઓ સારી રીતે સમજાવવામાં આવશે. બેઠકનું મુખ્ય એજન્ડા શાસન અને સરકારે કરેગીરીમાં સુધારા લાવવાના પગલાં, સુધારાઓ અને કામગીરીની પ્રભાવિતા વધારવાના ઉપાયો, કલ્યાણકારી યોજનાઓનું અસરકારક અમલ અને લાભાર્થીઓ સુધી પહોંચ, મહિલા અને યુવાનો સુધી યોજનાઓની પહોંચ વધારવી છે.
સપ્ટેમ્બરનું ‘ચિંતન શિબિર’ અને અગાઉની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી કે સરકારની યોજનાઓનો લાભ 100 ટકા વાસ્તવિક લાભાર્થીઓ સુધી કેવી રીતે પહોંચાડવો અને નાગરિકો સાથે વધુ અસરકારક રીતે સંકળાવવું. તે વખતે મંત્રીઓને આઠ જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા અને વડાપ્રધાએ દરેક જૂથ સાથે અલગ-અલગ ચર્ચાઓ સાથે તમામ મંત્રીઓને સામૂહિક રીતે પણ સંબોધિત કર્યું હતું.
હાલ સરકારની આશરે 40થી 45 કલ્યાણકારી યોજનાઓ કાર્યરત છે અને આ અંગેની કામગીરી અને અમલ અંગેની ચર્ચા પણ આજની બેઠકમાં થઈ શકે છે. વડાપ્રધાન મંત્રીઓ પાસેથી સૂચનો મેળવી સરકારના કામકાજને વધુ ઝડપ આપવા માર્ગદર્શન આપી શકે છે.
સરકારી કામગીરીમાં સુધારા માટેના પ્રયાસો વડાપ્રધાન શાસનમાં સુધારા લાવવા, જનતાની સમસ્યાઓ ઉકેલવા અને જીવન સરળ બનાવવા પર સતત ભાર મૂકે છે. તેમણે મંત્રીઓ અને મંત્રાલયોને કામની પ્રગતિ જોવા માટે લાઈવ ડેશબોર્ડ તૈયાર કરવા, કર્મચારીઓ સાથે સંવાદ સાધીને તેમના સૂચનો મેળવવા અને વિભાગોની સત્તાવાર વેબસાઈટને વધુ યુઝર-ફ્રેન્ડલી બનાવવા માટે તાકીદ કરી છે.
કેબિનેટ ફેરબદલ અંગેની અટકળો ચાલી રહી છે, પરંતુ સરકાર તરફથી હજુ કોઈ અધિકૃત નિવેદન બહાર આવ્યું નથી. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ સંકેત આપ્યા છે કે ટૂંક સમયમાં કેબિનેટમાં ફેરબદલ થઈ શકે છે, જેમાં નવા ચહેરાઓને તક મળવાની શક્યતા છે અને તમામ જાતિઓને યોગ્ય સ્થાન આપવામાં આવી શકે છે.