કરવા ચોથ પર સોનું-ચાંદીમાં કડાકો: ચાંદી રૂ.4,710 અને સોનું રૂ.717 ઘટ્યું

કરવા ચોથ સોનું-ચાંદીના ભાવમાં ઘટાડો

કરવા ચોથના પર્વને પગલે સોના-ચાંદીના ભાવમાં તેજ ઘટાડો નોંધાયો છે. સ્થાનિક MCX તેમજ વૈશ્વિક બજારમાં પ્રોફિટ બુકિંગ અને વૈશ્વિક સંકેતોના કારણે બુલિયન માર્કેટ પર દબાણ આવ્યું છે. MCX પર ચાંદીમાં પ્રતિ કિલો રૂ.4,710 અને સોનામાં પ્રતિ 10 ગ્રામ રૂ.717 સુધીનો કડાકો નોંધાયો છે.

MCX પર સોનાની સ્થિતિ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના 04 ડિસેમ્બર 2026 કોન્ટ્રાક્ટમાં ગુરુવારે ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો. સોનું ગઈકાલે 1,43,705 ના સ્તરે બંધ થયું હતું અને આજે 1,43,668 ના ભાવે ખૂલ્યું હતું. દિવસ દરમિયાન તે 1,43,920 ના ઊંચા સ્તર સુધી ગયો અને નીચામાં 1,42,839 સુધી સરકી ગયું. રાત્રે 9.00 વાગ્યા સુધીની અપડેટ અનુસાર, MCX પર 10 ગ્રામ સોનું 1,42,988 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું. આમ, ગઈકાલના બંધ ભાવની સામે પ્રતિ 10 ગ્રામ રૂ.717 નો ઘટાડો નોંધાયો છે.

MCX પર ચાંદીની સ્થિતિ MCX પર ચાંદીના 04 ડિસેમ્બર 2026 કોન્ટ્રાક્ટમાં ભારે વેચવાલી જોવા મળી. ગઈકાલે ચાંદી પ્રતિ કિલો 1,94,325 ના સ્તરે બંધ થયેલ હતી અને આજે તે 1,92,643 પર ખૂલી હતી. કારોબારમાં તે ઉપરમાં 1,93,912 સુધી ગયા બાદ સહેલાઈથી તૂટીને 1,89,615 ના નીચલા સ્તરે પહોંચી ગઈ. ગઈકાલના બંધ ભાવની સરખામણીએ ચાંદીમાં પ્રતિ કિલો મહત્તમ રૂ.4,710 સુધીનો કડાકો નોંધાયો અને બજારમાં ચાંદી રૂ.1.90 લાખનું મહત્વનું સ્તર ગુમાવ્યું. રાત્રે 9.00 વાગ્યા સુધીની અપડેટ અનુસાર ચાંદી પ્રતિ કિલો 1,90,432 ના સ્તરે ટ્રેડ થઇ રહી હતી, જે ગઈકાલના બંધ ભાવથી રૂ.3,893 નો ઘટાડો દર્શાવે છે.

ભાવમાં ઘટાડાના કારણો

ભાવમાં ઘટાડાના મુખ્ય કારણો બજારના વિશ્લેષકો અનુસાર આ ઘટાડાના મુખ્ય પરિબળો નીચે પ્રમાણે રહ્યા છે:

  • યુએસ ફેડના વ્યાજદર અંગે આશંકા: યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજદરોને 3.75% થી 4% વચ્ચે સ્થિર રાખ્યા છે, પરંતુ બે સભ્યોએ 0.25% વધારવાનું સમર્થન દર્શાવ્યો હોવાથી ડિસેમ્બરમાં વ્યાજદર વધવાની શક્યતા ઊભી છે, જેનાથી બુલિયન માર્કેટ પર દબાણ વધ્યું.
  • બોન્ડ યીલ્ડ અને ડોલરની મજબૂતી: રોકાણકારો અમેરિકન બોન્ડ યીલ્ડ અને વૈશ્વિક બજારમાં મજબૂત થઈ રહેલા અમેરિકન ડોલર પર નજર રાખી રહ્યા છે, જેના કારણે સોનું-ચાંદીમાં નવી ખરીદી અટકી છે.
  • મોટા પાયે પ્રોફિટ બુકિંગ: તાજેતરના ભારે ઉછાળ બાદ રોકાણકારોએ નફા લેવામાં વેચવાલી શરૂ કરી દીધી, જેના કારણે કિંમતો નીચે આવી છે.
  • ઔદ્યોગિક માંગ નબળી પડવાની ચિંતા: ઇલેક્ટ્રોનિક્સ અને સોલાર એનર્જી જેવા ક્ષેત્રોમાં ચાંદીની ઔદ્યોગિક માંગ ઘટવાની આશંકા હોવાથી ચાંદી પર ખાસ દબાણ જોવા મળ્યું છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થિતિ વૈશ્વિક બજારોમાં પણ બંને કિંમતી ધાતુઓ નબળાઈમાં રહ્યા. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 0.42% ઘટીને 4,034.45 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે ચાંદીના ભાવમાં 2.47% નો કડાકો આવ્યો છે અને તે 52.355 ડોલર પ્રતિ ઔંસના સ્તરે આવી ગઈ છે.

ખરીદી સંબંધિત સલાહ

બજારના નિષ્ણાતોનું માનવું છે કે માત્ર ભાવ ઘટવાને આધારે તાત્કાલિક ખરીદી કરવી યોગ્ય નથી. આગામી દિવસોમાં યુએસ મોંઘવારીના આંકડા, ફેડના વ્યાજદર અંગેના વલણ અને વૈશ્વિક બજારની તાજી સ્થિતિ પર નજર રાખવી જરૂરી છે. જો લગ્નપ્રસંગ કે તહેવાર માટે ખરીદી કરવાની યોજના હોય તો આખી ખરીદી એકસાથે ન કરીને અલગ-અલગ તબક્કામાં વહેંચીને કરવી વધુ યોગ્ય વિકલ્પ તરીકે સૂચવવામાં આવ્યો છે.