PM મોદીની ટકોર: નાણાકીય શિસ્ત જાળવવાની જરૂર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હીના ‘ભારત મંડપમ’ ખાતે મંત્રી પરિષદની બેઠકમાં નાણાકીય શિસ્ત પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે ભારતની સંસ્કૃતિ ‘ખાઓ, પીવો અને મોજ કરો’માં માનતી નથી અને ગરીબીમાંથી બહાર આવેલા લોકોને ફરી ગરીબીમાં ન પાછા પડવા આપવા માટે નાણાકીય શિસ્ત જાળવવી જરૂરી છે.
બેઠક લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલી. મોદીએ મંત્રીઓને લોકોને બચત તરફ પ્રોત્સાહિત કરવાની વાત કરી અને નાણાકીય શિસ્ત જાળવવા પર નિર્દેશ આપ્યો. તેમણે ચેતવણી આપી કે નાણાકીય શિસ્તના અભાવના કારણે ગરીબીમાંથી બહાર આવેલ લોકો ફરી ગરીબીમાં જઈ શકે છે, તેથી પ્રાપ્ત પ્રગતિ જાળવી રાખવી આવશ્યક છે.
ગરીબી ઘટાડવામાં પ્રાપ્ત પ્રગતિ અને ચેતવણી બેઠક દરમ્યાન વડાપ્રધાને દાવો કર્યો કે વર્ષ 2011થી 2023 દરમિયાન લગભગ 50 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવામાં આવ્યા છે. સાથે જ તેમણે સૂચન કર્યું કે આ પ્રગતિ ટકી રહે તે માટે સતત પ્રયત્નો જરૂરી છે.
તેઓએ 2014માં સંસદના સેન્ટ્રલ હોલમાં આપેલા પોતાના પ્રથમ સંબોધનનો ઉલ્લેખ કર્યો જ્યારે તેમણે પોતાની સરકારને ‘ગરીબોને સમર્પિત’ ગણાવી હતી.
યુવાનો અને ડ્રગ્સનો દૂષણ
વડાપ્રધાને યુવાનોમાં વધતા ડ્રગ્સના પ્રબળ દૂષણ પર ભાવુક અપીલ કરી અને તેને જડમૂળથી નાબૂદ કરવા હાકલ કરી. તેમણે યુવાનોનું ભવિષ્ય બગાડનારી આ સમસ્યાના ઉકેલ પર ભાર મૂક્યો.
નક્સલવાદ અંગે સતર્કતા
મોદીએ મંત્રીઓ અને અધિકારીઓને નક્સલવાદ ફરી માથું ન ઊંચકે તે માટે સાવચેત રહેવાની સૂચના આપી અને સતત પ્રયાસો જાળવવાની જરૂરિયાત વિશે જણાવ્યું.