- ગાંધીનગરના સંકલિત પ્રયાસોથી દિવ્યાંગ બાળકનું પરિવાર સાથે પુનઃસ્થાપન
- ખેડાથી ગુમ થયેલ દિવ્યાંગ બાળક ગાંધીનગરમાંથી મળી આવ્યો
- ચાઈલ્ડ હેલ્પલાઈન ૧૦૯૮ અને પોલીસનું ઉત્કૃષ્ટ સંકલન માત્ર ૭૨ કલાકમાં બાળ સુરક્ષા તંત્રની તત્પરતાથી દિવ્યાંગ બાળક પહોંચ્યો તેના પરિવાર પાસે
ગાંધીનગર જિલ્લાના પેથાપુર વિસ્તારમાંથી તા.૨૬/૦૯/૨૦૨૬ના રોજ આશરે ૧૭ વર્ષીય દિવ્યાંગ બાળક મળી આવતા સ્થાનિક લોકો દ્વારા ત્વરિત ચાઈલ્ડ હેલ્પલાઈન ૧૦૯૮ ગાંધીનગર તથા ૧૧૨ની મદદ લેવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ચાઈલ્ડ હેલ્પલાઈન ગાંધીનગર અને પેથાપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી બાળકને સુરક્ષિત રીતે સંભાળી લીધું હતું. બાળકની ઓળખ અને પરિવાર અંગેની માહિતી મેળવવા હાથ ધરાયેલી પ્રાથમિક પૂછપરછમાં તેણે પોતાનું નામ સુનીલ ઉદેવ દેવીપૂજક અને વતન માતર જિલ્લો ખેડા હોવાનું જણાવ્યું હતું.
બાળકના શ્રેષ્ઠ હિતને ધ્યાને રાખીને
ચાઈલ્ડ હેલ્પલાઈન ૧૦૯૮ તથા પેથાપુર પોલીસ દ્વારા જિલ્લા બાળ સુરક્ષા એકમ, ગાંધીનગરના સુરક્ષા અધિકારીશ્રી કરણ પરમારનો સંપર્ક કરી બાળકને બાળ કલ્યાણ સમિતિ, ગાંધીનગર સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. બાળ કલ્યાણ સમિતિ ગાંધીનગરના માનનીય સભ્યશ્રી હિતેશભાઈ બી. રાવલ સમક્ષ રજૂ કરાતા તેમણે બાળકનું જરૂરી મેડિકલ ચેકઅપ કરાવવાનો તથા સુરક્ષિત આશ્રય માટે સરકારી બાળ સંભાળ ગૃહ, સેક્ટર-૧૭, ગાંધીનગર ખાતે રાખવાનો આદેશ કર્યો હતો, જેના પગલે બાળકને સરકારી આશ્રયગૃહમાં રાખવામાં આવ્યો હતો.
ત્યારબાદ બાળકના પરિવારની સચોટ શોધખોળ માટે સરકારી બાળ સંભાળ ગૃહના કાઉન્સેલર શ્રીમતી બિનિતાબેન પ્રજાપતિ દ્વારા બાળકનું સંવેદનશીલતાથી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન બાળકે પોતાના પરિવારના સભ્યોના નામ તથા વતન માતર અંગે વધુ સ્પષ્ટ માહિતી આપી હતી. આ વિગતો મળતા જ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી સંજય પટેલ દ્વારા ખેડાના જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી મહેશભાઈ પટેલનો સંપર્ક કરી સંકલન સાધવામાં આવ્યું હતું. ત્યારબાદ ખેડા જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ખેડા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા હાથ ધરાયેલી સઘન તપાસના પરિણામે ગણતરીના કલાકોમાં જ સુનીલ દેવીપૂજકના પરિવારજનોની સફળતાપૂર્વક ઓળખ અને શોધખોળ કરી લેવામાં આવી હતી.
પરિવારજનો સાથે જરૂરી ચકાસણી પૂર્ણ કર્યા બાદ તા. ૨૯/૦૯/૨૦૨૬ના રોજ બાળ કલ્યાણ સમિતિ, ગાંધીનગર દ્વારા બાળકને તેના પરિવાર સાથે વિધિવત રીતે પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરી બાળ કલ્યાણ સમિતિ ગાંધીનગરના ચેરમેનશ્રી તથા સભ્યશ્રીઓ અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી જે. એન. મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ ગાંધીનગર, ચાઈલ્ડ હેલ્પલાઈન ૧૦૯૮, પેથાપુર પોલીસ સ્ટેશન, જિલ્લા બાળ સુરક્ષા એકમ ખેડા તથા ખેડા જિલ્લા પોલીસ વિભાગના પરસ્પર સંકલન અને ત્વરિત સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.
*નેહા તલાવિયા*