હાઇવે પર ગંદા ટોઇલેટની ફરિયાદ કરો અને મેળવો ₹1,000નું FASTag રિચાર્જ — NHAI યોજના ૩૦ જૂન, ૨૦૨૭ સુધી લંબાવી

ગંદા ટોઇલેટની ફરિયાદ કરો અને મેળવો ₹1,000નું FASTag રિચાર્જ

રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસવે પર મુસાફરી દરમિયાન અસ્વચ્છ જાહેર શૌચાલય અંગે ફરિયાદ કરનારા મુસાફરોને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) પ્રોત્સાહનરૂપે ₹1,000નું FASTag રિચાર્જ આપશે. આ પહેલ ‘Clean Toilet Picture Challenge’ તરીકે સપ્ટેમ્બર ૨૦૨૫માં શરૂ કરવામાં આવી હતી અને હવે તેની મુદત ૩૦ જૂન, ૨૦૨૭ સુધી લંબાવી દેવામાં આવી છે.

ફોટો કેવી રીતે અપલોડ કરવો

હાઇવે પર કોઇ ગંદુ શૌચાલય દેખાય તો તેની એક સ્પષ્ટ ફોટો લો. NHAI ની સત્તાવાર ‘રાજમાર્ગયાત્રા’ મોબાઇલ એપ ખોલો અને ફોટો જિયો-ટેગિંગ અને ટાઇમ-સ્ટેમ્પ સાથે અપલોડ કરો. ફોટો સબમિટ કરતી વખતે તમારું નામ, સ્થાન, મોબાઈલ નંબર અને વાહનનો નોંધણી નંબર દાખલ કરવો જરૂરી છે.

ઇનામ મેળવવાની પ્રક્રિયા

ફોટો અને વિગતોની ચકાસણી બાદ ₹1,000નું ઇનામ સીધા તમારા વાહન સાથે કનેક્ટ થયેલા FASTag એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. આ ₹1,000નું ઇનામ સમગ્ર યોજના દરમિયાન પ્રત્યેક વાહન નોંધણી નંબર દીઠ ફક્ત એક જ વખત આપવામાં આવશે. જ્યારે એક જ ગંદા શૌચાલય વિશે બહુવિધ લોકો ફરિયાદ કરે તો ઇનામ તે વપરાશકર્તાને મળશે જેણે સૌથી પહેલા ફોટો અપલોડ કર્યો હોય.

યોજનાના નિયમો

ઇનામ બિન-તબદીલીપાત્ર છે અને રોકડમાં બદલવામાં નથી આવતું; તે ફક્ત FASTag રિચાર્જ રૂપે જ આપવામાં આવશે. યોજનાનો લાભ માત્ર NHAI હેઠળ સીધી આવેલ શૌચાલય સુવિધાઓ માટે જ લાગુ પડે છે. આંકડાકીય માહિતી મુજબ ૨૦૨૬માં અત્યાર સુધીમાં ૪૨૯ જેટલા મુસાફરોએ ગંદા શૌચાલય વિશે યોગ્ય જાણકારી આપી અને તેમને ₹1,000નું મફત FASTag રિચાર્જ આપવામાં આવ્યું છે.