BRICS સમિટ 2026: ભારત મંડપમમાં 12 અને 13 સપ્ટેમ્બરે બે દિવસીય મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમ જાહેર

BRICS સમિટ 2026: ભારત મંડપમમાં કાર્યક્રમ જાહેર

વિદેશ મંત્રાલયે બુધવારે જાહેર કર્યું છે કે 18મું BRICS સમિટ 2026 12 અને 13 સપ્ટેમ્બર 2026ના રોજ પ્રગતિ મેદાન પર આવેલ ભવ્ય ભારત મંડપમ ખાતે યોજાશે. ભારતની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકની સત્તાવાર થીમ છે “સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું માટે નિર્માણ”.

બે દિવસીય શિખર સંમેલનમાં બ્રિક્સ સભ્ય દેશોના નેતાઓ તેમજ ભાગીદાર અને આમંત્રિત દેશોના ટોચના નેતાઓ હાજરી આપશે અને વિદેશ મંત્રાલયે તેમના માટે મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમ ઉજાગર કર્યો છે.

પ્રથમ દિવસનો કાર્યક્રમ

પ્રથમ દિવસ (શનિવાર, 12 સપ્ટેમ્બર) શનિવારે બ્રિક્સ સભ્ય દેશોના નેતાઓ સમિટ માટે ભારત મંડપમ પહોંચશે. બંધ સત્ર વિષય: “સમાવેશક વૈશ્વિક શાસન અને બહુપક્ષીયતાને મજબૂત બનાવવું” — લગભગ 2:35 વાગ્યે યોજાશે. બપોરે 4:25 વાગ્યે બ્રિક્સ નેતાઓને “ઇન્ડિયા ઇનોવેટ્સ એક્ઝિબિશન” જોવા માટે આમંત્રિત કરવામાં આવશે. સાંજે 5:05 વાગ્યે નેતાઓનો કૌટુંબિક ફોટો લેવામાં આવશે. 5:10 વાગ્યે સંયુક્ત વૃક્ષારોપણ સમારોહ યોજાશે. દિવસનો અંત પ્રધાનમંત્રી દ્વારા આયોજિત ગાલા ડિનરથી થશે, જે સાંજે 7:30 વાગ્યે ભારત મંડપમના સ્તર 3 પર યોજાશે.

બીજા દિવસનો કાર્યક્રમ

બીજો દિવસ (રવિવાર, 13 સપ્ટેમ્બર) “આઉટરીચ પ્રોગ્રામ” હેઠળ ભાગીદાર દેશો અને અન્ય દેશોના રાજય/સરકારના વડા સવારે 9-55 વાગ્યે ભારત મંડપમ પહોંચશે. સવારે 10-35 વાગ્યે કૌટુંબિક ફોટો યોજાશે. સમિટનું મુખ્ય ખુલ્લું સત્ર સવારે 10-50 વાગ્યે શરૂ થશે અને તેની થીમ રહેશે: “સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું માટે નિર્માણ, સમાવેશી વૈશ્વિક વિકાસ માટે ભવિષ્યને આકાર આપવો”.

ઉચ્ચ-સ્તરીય કાર્યક્રમો અને વ્યાપક આયોજન વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ભારતના પ્રમુખપદ દરમિયાન વિવિધ ઉચ્ચ-સ્તરીય કાર્યક્રમો આયોજિત થયા છે અને કાર્યક્રમોની વ્યાપકતા નોંધપાત્ર છે. શેડ્યૂલ અનુસાર 25 થી વધુ શહેરોમાં 350 થી વધુ બેઠકો અને ઉચ્ચ-સ્તરીય કાર્યક્રમો યોજાયા છે.

સમિટનો ઉદ્દેશ્ય

સમિટમાં બ્રિક્સ દેશોના નેતાઓ, ભાગીદાર અને આમંત્રિત દેશો વૈશ્વિક વિકાસ, આર્થિક સહયોગ અને ભવિષ્યના પડકારો પર ચર્ચા કરશે. આ સત્ર વૈશ્વિક શાસનમાં સુધારા લાવવા, બહુપક્ષીયતાને મજબૂત બનાવવા અને વેપાર, નાણાં, ટેકનોલોજી, ઊર્જા સુરક્ષા અને ટકાઉ વિકાસ જેવા મુદ્દાઓ પર સહયોગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

2026નું બ્રિક્સ સમિટ ભારત માટે મહત્વનું ગણાય છે કારણ કે આ વર્ષે જૂથ તેની સ્થાપનાના 20 વર્ષની ઉજવણી કરે છે અને ભારત ચોથી વખત તેનું અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે.