બનાસકાંઠામાં કોંગો ફીવરના શંકાસ્પદ કેસથી આરોગ્ય તંત્ર સક્રિય

બનાસકાંઠામાં કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ

બનાસકાંઠાની ડીસાના આખોલ ગામમાં એક વ્યક્તિમાં કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર અને સંબંધિત વિભાગ તરત જ સક્રિય થયા છે. શંકાસ્પદ દર્દી હાલમાં અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ખાનગી હોસ્પિટલ દ્વારા દર્દીના સેમ્પલ વધુ તપાસ માટે પુણેની વાયરોલોજી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

સ્થાનિક સ્તરે દવા છંટકાવ અને સર્વેલન્સની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ઘટનાની વિગત મળતી માહિતી અનુસાર, દર્દીને શરૂઆતમાં ડીસામાં સારવાર આપવામાં આવી હતી. બાદમાં પરિવારજનો તેને વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.

કોંગો ફીવરની આશંકાને પગલે ખાનગી હોસ્પિટલ દ્વારા સેમ્પલ પુણેની વાયરોલોજી લેબમાં મોકલવામાં આવ્યા છે. સેમ્પલની તપાસ અને રિપોર્ટની સ્થિતિ હાલ પુણેની વાયરોલોજી લેબોરેટરીમાં ચાલી રહી છે. પરિવારજનોના જણાવ્યા મુજબ દર્દીના હાલના રિપોર્ટ સારા આવ્યા છે, પરંતુ કોંગો ફીવરની અંતિમ નિશ્ચિતતા માટે પુણેની લેબોરેટરીમાંથી આવનારા રિપોર્ટની રાહ જોવા થઈ રહી છે.

રિપોર્ટ આવ્યા બાદ જ કોંગો ફીવરના સંદર્ભમાં સ્પષ્ટતા થઈ શકશે. સ્થાનિક પગલાં અને તપાસ નાની આખોલ ગામમાં શંકાસ્પદ કેસની જાણ થતા આરોગ્ય વિભાગ અને વેટરનરી વિભાગની ટીમો ત્યાં પહોંચીને દવા છંટકાવની કામગીરી શરૂ કરી છે. ઘર-ઘર દવા છંટકાવ ઉપરાંત આરોગ્ય વિભાગે સર્વેલન્સ પણ શરૂ કરી છે.