ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે ઉમેદવારી પ્રક્રિયા શરૂ
ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીની જાહેરાત સાથે જ પાટનગરમાં ચૂંટણીલક્ષી રાજકીય ગતિવિધિ તેજ બની છે. તંત્ર દ્વારા ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ કરી દેવામાં આવ્યું છે અને ઉમેદવારી પત્રો સ્વીકારવાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગર મહાનગરપાલિકાના ૧૧ વોર્ડની ૪૪ બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે.
ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા તા. ૨૧ સપ્ટેમ્બરથી ૨૬ સપ્ટેમ્બર સુધી ચાલશે. તા. ૨૮ સપ્ટેમ્બરે ફોર્મની ચકાસણી (સ્ક્રુટીની) હાથ ધરાશે, જ્યારે તા. ૨૯ સપ્ટેમ્બર ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે. ત્યારબાદ ચૂંટણી લડતા ઉમેદવારોનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે અને પ્રચારનો ધમધમાટ શરૂ થશે.
તંત્ર દ્વારા ઉમેદવારી પત્રોના સ્વીકાર માટે બે સ્થળ નક્કી કરાયા છે. જિલ્લા પંચાયત કચેરી ખાતે: વોર્ડ નં. ૧ થી ૪ ના ઉમેદવારોના ફોર્મ સ્વીકારવામાં આવશે. કલેક્ટર કચેરી ખાતે વોર્ડ નં. ૫ થી ૧૧ ના ઉમેદવારોના ફોર્મ સ્વીકારવામાં આવશે.
સમગ્ર ચૂંટણી પ્રક્રિયાના સુચારુ સંચાલન માટે ૧૧ વોર્ડ માટે ૫ રિટર્નિંગ ઓફિસર અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ સાથે આદર્શ આચારસંહિતાના અમલીકરણ અને ચૂંટણીલક્ષી કામગીરી માટે સ્પેશિયલ નોડલ અધિકારીઓની પણ નિમણૂક કરી દેવામાં આવી છે.
અધિકારીઓની જવાબદારી ની વાત કરવામાં આવે ત્યારે વોર્ડ નં. ૧ અને ૨ માટે ચૂંટણી અધિકારી તરીકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત) અને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે માણસા મામલતદાર, વોર્ડ નં. ૩ અને ૪ માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસૂલ) અને મદદનીશ તરીકે દહેગામ તાલુકા વિકાસ અધિકારી, વોર્ડ નં. ૫ અને ૬ માટે જિલ્લા પુરવઠા અધિકારી અને મદદનીશ તરીકે દહેગામ મામલતદાર, વોર્ડ નં. ૭ અને ૮ ના ચૂંટણી અધિકારી તરીકે કલોલ પ્રાંત અધિકારી અને મદદનીશ તરીકે ગાંધીનગર મામલતદાર તેમજ વોર્ડ નં. ૯, ૧૦ અને ૧૧ માટે ચૂંટણી અધિકારી તરીકે ગાંધીનગર પ્રાંત અધિકારી અને મદદનીશ તરીકે ગાંધીનગર તાલુકા વિકાસ અધિકારી ની નિયુક્તિ કરાઈ છે.
જાહેરનામા પહેલાથી જ વિવિધ પક્ષોમાં ટિકિટ માટે દાવેદારોનો ધસારો જોવા મળી રહ્યો છે, ત્યારે હવે ૨૯ સપ્ટેમ્બર સુધી જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારો અને ટેકેદારોની ભારે ભીડ જોવા મળશે.