મુંબઇ માટે મોંઘો મંગળવાર: દૂધ, CNG‑PNG અને ઓટો‑ટેક્સી ભાડા વધ્યા

મુંબઇમાં ભાડા વધ્યા

તહેવારીઓની સિઝન શરૂ થાય તે પહેલાં મુંબઇમાં 1 સપ્ટેમ્બરથી જીવન જરૂરી વસ્તુઓ અને મુસાફરી ખર્ચમાં મોટો વધારો નોંધાયો છે. મહાનગર ગેસ (MGL) દ્વારા CNG અને ઘરેલું PNGના ભાવ વધારાના જાહેરનામા સાથે જ મુંબઇ મેટ્રોપોલિટન રિજન ટ્રાન્સપોર્ટ ઓથોરિટીએ ઓટો અને ટેક્સી ભાડામાં વધારો મંજૂર કર્યો છે. સાથે જ તબેલા દૂધની કિંમત પણ વધીને બજારમાં અસર દેખાડશે.

CNG અને PNG ના ભાવમાં વધારો મહાનગર ગેસ (MGL) એ સોમવારે જાહેરાત કરી હતી કે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં CNG ના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ₹2 નો વધારો કરવામાં આવ્યો છે અને CNG હવે પ્રતિ કિલોગ્રામ ₹88 ના ભાવે ઉપલબ્ધ રહેશે. ઘરેલું PNG ના ભાવમાં પણ પ્રતિ SCM ₹1 નો વધારો કર્યો છે. આ વધારો 1 સપ્ટેમ્બરની મધ્યરાત્રિથી અમલમાં આવ્યો છે.

કંપનીનું કહેવું છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે અને કંપનીને સ્પોટ RLNG આયાત ઊંચા દરે કરવી પડી રહી છે, જેના કારણે સંચાલન ખર્ચ વધ્યો છે.

ઓટો અને ટેક્સી ભાડામાં વધારો

મુંબઈ મેટ્રોપોલિટન રિજન ટ્રાન્સપોર્ટ ઓથોરિટીએ (MMRTA) ઓટો અને ટેક્સી ભાડામાં ફેરફારો મંજૂર કર્યા છે. ઓટોનું લઘુત્તમ ભાડું હવે ₹27 છે. ‘કાળી-પીળી’ ટેક્સીઓનું લઘુત્તમ ભાડું હવે ₹33 થયું છે. પ્રતિ કિલોમીટર ટેક્સી ભાડું ₹20.66 થી વધીને ₹21.90 થયું છે. ઓટો ભાડું પ્રતિ કિલોમીટર ₹17.14 થી વધીને ₹18.22 થયુ છે.

શરૂઆતના 1.5 કિલોમીટર માટે મુસાફરોએ હવે ટેક્સીઓ માટે ₹31 ની જગ્યા પર ₹33 ચૂકવવાની રહેશે. ડ્રાઇવરોને નવા દરો અનુસાર તેમના મીટરનું માપાંકન કરવા માટે નવેમ્બર ના અંત સુધીનો સમય આપવામાં આવ્યો છે અને આમાં નિષ્ફળતા પર દંડ લાગવાની શક્યતા છે. મુંબઇમાં આશરે 4.5 લાખથી વધુ ઓટો અને 50,000થી વધુ ટેક્સીઓ કાર્યરત છે.

છેલ્લા ભાડા વધારાનું પૂર્ણફેરબદલ ફેબ્રુઆરી 2025માં થયું હતું અને આ વધારો લગભગ 18 મહિનાના અંતરાલ પછી આવ્યો છે.

તબેલા દૂધના ભાવમાં વધારો

1 સપ્ટેમ્બરથી તબેલા દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹9 નો વધારો કરવામાં આવ્યો છે. પરિણામે, તબેલા દૂધનો ભાવ હવે 93 રૂની જગ્યાએ 102 રૂ થયો છે. નવો દર 1 સપ્ટેમ્બર, 2026 થી 28 ફેબ્રુઆરી, 2027 સુધી અમલમાં રહેશે.

ઉત્પાદકો જણાવે છે કે પશુઆહાર, ઘાસચારો અને પશુધનના વધતા ખર્ચને કારણે ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે. ઉત્પાદકોના અહેવાલ મુજબ પશુઆહારના ભાવમાં 25 ટકા નું વધારું નોંધાયું છે અને તેલ તથા અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવ વધવાને કારણે અગાઉના દરે દૂધ વેચવું મુશ્કેલ બન્યું છે.