ગ્રાન્ટેડ સ્કૂલોમાં ક્વોલિફાઈડ કાઉન્સિલરોની નિમણૂક મુશ્કેલ

ગ્રાન્ટેડ સ્કૂલોમાં ક્વોલિફાઈડ કાઉન્સિલરોની નિમણૂક મુશ્કેલ

વિદ્યાર્થીઓમાં વધતા આત્મહત્યાના કેસ અને માનસિક તણાવને પગલે શિક્ષણ વિભાગે સ્કૂલો માટે મેન્ટલ હેલ્થ એન્ડ સ્યૂસાઈડ પ્રિવેન્શન ફ્રેમવર્ક જાહેર કર્યું છે. પરિપત્ર મુજબ 100થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી સ્કૂલોમાં ક્વોલિફાઈડ કાઉન્સિલર, સાયકોલોજિસ્ટ અથવા બાળકો અને કિશોરોના માનસિક સ્વાસ્થ્ય માટે તાલીમપ્રાપ્ત સોશ્યલ વર્કરની નિમણૂક ફરજિયાત રહેશે.

પરિપત્ર સ્કૂલોએ પાલન માટે મોકલવામાં આવ્યું છે. ગ્રાન્ટેડ સ્કૂલોના નાણાકીય પડકાર પરિપત્રની જોગવાઈઓ સૌથી વધુ ગ્રાન્ટેડ સ્કૂલ્સ માટે મુશ્કેલ ઉભી કરી શકે છે. વડોદરાના એક આચાર્યે નામ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું હતું કે હાલ મોટા ભાગે કાઉન્સેલિંગનું કાર્ય શિક્ષકો જ સંભાળે છે અને ક્વોલિફાઈડ કાઉન્સિલર રાખવાથી સ્કૂલ પર નાણાકીય ભાર આવશે.

તે મુજબ ગ્રાન્ટેડ સ્કૂલોને આપવામાં આવતી ગ્રાન્ટમાં કાઉન્સિલરના પગાર માટે અલગ જ જોગવાઇ નથી. આચાર્યનું કહેવું હતું કે સરકાર કાઉન્સિલરના મહેનતાણા માટે ઉચ્ચ રકમ ફાળવે અને સેશન દીઠ મહેનતાણું આપવામાં આવે તો જ નિયમનું પાલન શક્ય બનશે, નહીંતર સંચાલક મંડળને પોતાના ખાતામાંથી પગાર ભજવવો પડશે અને નિયમ કાગળ પર જ રહેવાની શક્યતા વધુ રહેશે.

ફ્રેમવર્કમાં સમાવિષ્ટ મુખ્ય બાબતો

ફ્રેમવર્કમાં મુખ્ય બાબતોમાં વેલનેસ ટીમની રચના, મોનિટરિંગ અને પરિવાર જોડવા, અને પ્રતિ વર્ગ મનોમિત્રની નિમણૂકનો સમાવેશ થાય છે. દરેક શાળાએ વેલનેસ ટીમ બનાવવાની રહેશે. ટીમનું નેતૃત્વ આચાર્ય કરશે અને કો-ઓર્ડિનેટર તરીકે કાઉન્સિલર અથવા કોઈ નિમણૂક કરાયેલ શિક્ષક રહેશે.

વેલનેસ ટીમ વિદ્યાર્થીઓનું વર્તન અને હાજરી મોનિટર કરશે અને જરૂરી પડયે વાલીઓનો સંપર્ક કરશે. દરેક વર્ગમાં એક વિદ્યાર્થીને મનોમિત્ર તરીકે નિમણૂક કરવામાં આવશે, જે અન્ય વિદ્યાર્થીઓને ભાવનાત્મક સહારો આપશે અને સમસ્યાઓને શિક્ષકો સુધી પહોંચાડશે.

શાળામાં કોઈ શિક્ષક કે સ્ટાફ વિદ્યાર્થીના આત્મસન્માનને ઠેસ પહોંચાડતી કોઈ હરકત નહી કરે. ઉદાહરણ તરીકે માર્ક્સ ઓછા હોવાનું કારણ બતાવીને વિદ્યાર્થીઓને અલગ બેસાડવી કે અભ્યાસમાં નબળા વિદ્યાર્થી વિશે જાહેરમાં ટીકા કરીને તેમની હેતુભંગ કરવી મનાઈ રહેશે.