‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત સોમનાથ રોશની અને સુશોભનથી દિવ્ય આધ્યાત્મિક માહોલમાં ગુંજી ઉઠ્યું

સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત મંદિર પરિસર રોશની અને સુશોભનથી ઝળહળ્યું. સાધુ-સંતોની પદયાત્રા અને ઢોલ-ડમરૂના નાદથી દિવ્ય આધ્યાત્મિક માહોલ સર્જાયો.

‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત સોમનાથ દિવ્ય આધ્યાત્મિક માહોલથી ગુંજી ઉઠ્યું

સોમનાથ મંદિરના ઇતિહાસની મહાન ગાથાને બિરદાવવા આયોજિત ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત સમગ્ર સોમનાથ વિસ્તાર ભવ્ય સુશોભન અને રોશની સાથે દિવ્ય આધ્યાત્મિક માહોલથી ગુંજી ઉઠ્યો છે. મંદિર પરિસર, માર્ગો અને આસપાસના વિસ્તારોમાં કરવામાં આવેલા વિશેષ શણગારથી શ્રદ્ધા, સ્વાભિમાન અને ગૌરવનો અદ્વિતીય સંગમ સર્જાયો છે. દેશના વિવિધ વિસ્તારોમાંથી ભક્તો આ મહાપર્વના સાક્ષી બનવા સોમનાથ પધારી રહ્યાં છે.

સાધુ-સંતોની ભવ્ય પદયાત્રા

આજરોજ ગિરનાર તીર્થક્ષેત્ર સહિત વિવિધ સ્થળોથી આવેલા સાધુ-સંતોએ સોમનાથના શંખચોકથી પદયાત્રા શરૂ કરી દેવાધિદેવ ભગવાન મહાદેવના દર્શનાર્થે પ્રસ્થાન કર્યું હતું. પદયાત્રામાં ગિરનાર તીર્થક્ષેત્રના શ્રી ઇન્દ્રભારતી બાપુ, શ્રી મહેન્દ્રાનંદગીરી બાપુ, શ્રી હરીહરાનંદ બાપુ સહિતના પ્રસિદ્ધ સાધુ-સંતોની ઉપસ્થિતિ રહી હતી.

ડમરૂ-ઢોલના નાદથી આધ્યાત્મિક ઊર્જા

યાત્રા દરમિયાન સાધુ-સંતોએ ભગવાન શિવજીના પ્રિય વાદ્ય ડમરૂના નાદથી સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક ઊર્જાથી પરિપૂર્ણ કર્યું હતું. સાથે સાથે આશરે ૭૫ ઢોલ વાદકો સાથેના સિદ્ધિવિનાયક ઢોલ ગ્રુપે તાલબદ્ધ વાદન દ્વારા ઉત્સાહભર્યો અને શ્રદ્ધામય માહોલ સર્જ્યો હતો.

રાજકીય અગ્રણીઓની હાજરી

આ આધ્યાત્મિક ભાવનાને પ્રગટ કરતી પદયાત્રામાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા, પ્રદેશ ભાજપ મહામંત્રીશ્રી અનિરુદ્ધભાઈ દવે, પ્રદેશ સહકોષાધ્યક્ષ મોહનભાઈ કુંડારિયા, સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા સહિત ધારાસભ્યો અને અન્ય અગ્રણીશ્રીઓએ જોડાઈ ધન્યતા અનુભવી હતી.

શ્રદ્ધા, સ્વાભિમાન અને ગૌરવનું પ્રતીક

‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત યોજાયેલી આ ભવ્ય ઉજવણી દ્વારા ભારતની સાંસ્કૃતિક એકતા, આસ્થા અને ઐતિહાસિક ગૌરવને ઉજાગર કરવામાં આવ્યું છે. સોમનાથમાં સર્જાયેલો આ આધ્યાત્મિક માહોલ ભક્તો માટે જીવનભર યાદગાર બન્યો છે.

👉 વધુ વાંચો:  ગુજરાત સમાચાર

Leave a Comment