એસ.જી.વી.પી.માં સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડ 2026
કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા એસ.જી.વી.પી. અમદાવાદ ખાતે સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડ એનાયેત કરાશે. કલાતીર્થ સંસ્કૃતિ સંશોધન પ્રકલ્પ–૨૬ના વિજેતાઓને સન્માનીત કરાશે. કલાગંગોત્રી ગ્રંથ-૩૮ વિમોચીત કરાશે.
સુરત,તા. ૨૮: કલાતીર્થ ટ્રસ્ટના અધ્યક્ષ રમણીક ઝાપડિયા એ વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદાઓનું જતન અને સંવર્ધન કરતી અહીંની કલા સંસ્થા ‘કલાતીર્થ ટ્રસ્ટ’ દ્વારા ઈતિહાસ, પુરાતત્વ, કલા, સંસ્કૃતિ અને પ્રવાસન સંદર્ભમાં અનેકવિધ કલાવિષયક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.
સંસ્થા દ્વારા પ્રતિ વર્ષ અપાતા સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડ ૨૦૨૬ માટે ચાલુ વર્ષે આ એવોર્ડ મેળવનારાઓમાં ગુજરાતના વરિષ્ઠ પુરાતત્વવિદ્ અને ઈતિહાસકાર સંશોધક ડો. પ્રવીણચંદ્ર પરીખ, મંદિર સ્થાપત્યના જ્ઞાતા અને પુરાતત્વવિદ્ પ્રા. ડો. થોમસભાઈ પરમાર, ભારતીય સંસ્કૃતિના તજજ્ઞ અને ઈતિહાસકાર પ્રા. ડો. આર.ટી. સાવલિયા, સંગ્રહાલય અને હસ્તકલાવિદ્ રાગિણીબહેન વ્યાસ તથા ધાતુશિલ્પ કલાકાર જયંતીભાઈ સુથારનો સમાવેશ થાય છે.
દરેક એવોર્ડ વિજેતાને પ્રમાણપત્ર, સ્મૃતિ ભેટ તથા રૂ. ૨૧,૦૦૦/–નું રોકડ માનધન શ્રીમતી પન્નાબેન રસિકલાલ હેમાણી ના સહયોગથી અર્પણકરવાનો સમારોહ આગામી તા. રજી ઓકટોબર શુક્રવારના રોજ અમદાવાદ ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યાપ્રતિષ્ઠાન (એસજીવીપી)ના ઓડીટોરીયમમાં યોજાનાર છે.
આ સમારોહના અધ્યક્ષ તરીકે ગુજરાતસરકારના પૂર્વમુખ્ય સચિવ પી.કે. લહેરી સાહેબ હાજર રહેશે. ગુરુકુળના ગુરુવર્ય સ્વામી માધવપ્રિયદાસસજીના સાનિધ્યમાં યોજાશે અને આશીર્વચન આપવા ઉપસ્થિત રહેશે, જ્યારે સમારોહનું ઉદ્ધાટન પૂર્વમાહિતી નિયામક અને જાણીતા સર્જક વી.એસ. ગઢવી તથા ગુજરાત વિશ્વકોશના અઘ્યક્ષ અને પદ્મશ્રી પુરસ્કૃત જાણીતા સાહિત્યકાર કુમારપાળ દેસાઈ કરશે.
આ પ્રસંગે સંસ્કારભારતી ગુજરાત પ્રાંતના અઘ્યક્ષ અભેસિંહ રાઠોડ, કલાવિવેચક કનુભાઈ પટેલ, લોકકલાવિદ્ છેલભાઈ વ્યાસ તથા મૈની ઈન્ટરનેશનલસ્કૂલ, સુરતના જે. બી. પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
સંસ્થા દ્વારા વર્ષ-૨૦૨૬ના કલાતીર્થ સંશોધન પ્રકલ્પ અનુસાર ગુજરાતમાં સંશોધન ક્ષેત્રે સ્નાતક, અનુસ્નાતક કક્ષાએ ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને પીએચ.ડી. કક્ષાના અધ્યાપકો અને સંશોધકો એમ બે વિભાગમાં વિવિધ વિષયો પર શોધપત્ર સ્પર્ધા પન્નાબહેન રસિકલાલ હેમાણી પુરસ્કૃત સંસ્કૃતિ સંશોધન પુરસ્કાર પ્રકલ્પ-૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેનાં વિજેતાઓ અઘ્યાપક અને સંશોધક વિભાગમાં પ્રથમ અજીત વાઘેલા, દ્વિતિય ડો. અરુણ વાઘેલા, તુતિય ડો. દક્ષા ડાંગર તથા અન્ય પાંચ આશ્વાસન ઈનામને પાત્ર શોધપત્રોમાં ડો. સાધાના ટાંક, ડો. ભાવિની પંડયા, રવીન્દ્ર લાંબા, ભીમજી ખાચરીયા તથા ડો. ઝલક પટેલ વિજેતા થયા હતા.
અહીં ઉલ્લેખનીય છેકે, કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા સંસ્થા દ્વારા વર્ષ-૨૦૨૬ના કલાતીર્થ સંશોધન પ્રકલ્પ અનુસાર ગુજરાતમાં સંશોધન ક્ષેત્રે સ્નાતક, અનુસ્નાતક કક્ષાએ ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને પીએચ.ડી. કક્ષાના પ્રાધ્યાપકો માટે ખાસ સંશોધન સેમિનાર તાજેતરમાં સૌરાષ્ટ્રના ઘુમલી ખાતે યોજાયો હતો.
આ અવસરે તમામ રાજવીઓનો સર્વાગી પરિચય કરાવતો કલાગંગોત્રી ગ્રંથ ૩૭નું વિમોચન પણ કરાયું હતું. અમદાવાદ ખાતે યોજાનાર સમારોહનું સંકલન કિશોરજોશી, જીગરપંડયા, વિનય પંડયા, કમલેશ ગજજર, અનિલ શ્રીમાળી, વિમલા ઠકકર, બિજલ હરિયા તથા પ્રિયકા જોશી સંભાળી રહ્યા છે.
આ સમારોહમાં જાહેરજનતાને ઉપસ્થિત રહેવા કલાતીર્થના અઘ્યક્ષ રમણીક ઝાપડિયા, સંશોધન પ્રકલ્પના સંયોજક નિસર્ગ આહિર તથા સહ સંયોજક નરેશ અંતાણીએ અનુરોધ કર્યો છે.