ગુજરાતમાં હાઉસ હસબન્ડનો ઉદય, પતિ જ ઘરમાં સંપૂર્ણ જવાબદારી લે છે, બદલાતા સમયનો નવો ટ્રેન્ડ

ગુજરાતમાં હાઉસ હસબન્ડનો ઉદય

ગુજરાતમાં પરંપરાગત લિંગ આધારિત ભૂમિકાઓ ધીમે ધીમે બદલાઈ રહી છે. રાજ્યમાં 5 લાખથી વધુ પુરુષો ‘હાઉસ હસબન્ડ’ તરીકે ઘર અને બાળકોની જવાબદારી સંભાળી રહ્યા છે. આ પ્રવૃત્તિ ખાસ કરીને અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં જોવા મળી રહી છે અને તેની અસરથી દાંપત્યજીવનમાં જવાબદારીઓનું વધુ સંતુલિત વિતરણ દેખાઈ રહ્યું છે.

આંકડા અને અનુમાન મુજબ, ગુજરાતમાં 2025માં પુરુષોની વસ્તી આશરે 3.86 કરોડ છે. 2024ની મતદાર યાદીના આધારે 18 વર્ષથી વધુ વયના પુરુષોની સંખ્યા આશરે 2.54 કરોડથી વધુ હોવાનું જણાવાયું છે. આ આધારે રાજ્યમાં હાઉસ હસબન્ડની સંખ્યા 5 લાખથી વધુ હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે, જે પુખ્ત પુરુષોની સંખ્યાના આશરે 2 ટકા જેટલી થાય છે.

હાઉસ હસબન્ડ તરીકેની ભૂમિકા

ભારતીય સ્તરે ઉપલબ્ધ શ્રમ સર્વેના આંકડા અનુસાર પણ આશરે 2 ટકા પુરુષો પોતાને હાઉસ હસબન્ડ તરીકે ઓળખાવે છે; એટલે કે, દર 100 પુરુષોમાંથી આશરે 2 પુરુષો ઘરની જવાબદારી સંભાળવાની ભૂમિકા સ્વીકારતા હોય છે. શહેરી પરિવારોમાં જવાબદારીનું વિતરણ અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં ઘણીવાર પત્નીની આવક વધુ હોય અથવા તેમની નોકરીમાં વધુ સમયની આવશ્યકતા હોય ત્યારે પતિ સ્વેચ્છાએ ઘર સંભાળવાની ભૂમિકા લે છે.

આવા પરિવારોમાં પતિઓને બાળકોની સંભાળ, રસોઈ, સફાઈ અને વૃદ્ધ માતા-પિતાની સેવા જેવી જવાબદારીઓ સોંપવામાં આવે છે. આ પ્રકારની વ્યવસ્થા પરિવારને બાળકો સાથે વધુ સમય પસાર કરવાનો અને દાંપત્યજીવનમાં જવાબદારીઓનું વધુ સમતુલ્ય વિતરણ કરવાનો મોકો આપે છે.

સામાજિક પડકારો

બદલાતી વિચારસરણી અને સામાજિક પડકાર મહિલાઓનું શિક્ષણ, રોજગારમાં વધતી ભાગીદારી અને પરિવારોની બદલાતી આર્થિક જરૂરિયાતો પરંપરાગત ભૂમિકાઓમાં ફેરફાર લાવી રહી છે. તેમ છતાં હાઉસ હસબન્ડ તરીકે ઘર સંભાળતા પુરુષોને હજી પણ સામાજિક ટિપ્પણીઓ અને પરંપરાગત માનસિકતાનો સામનો કરવો પડે છે. સાથે જ સૂચવામાં આવ્યું છે કે આશરે 75 ટકા મહિલાઓ પોતાને હાઉસવાઇફ તરીકે ઓળખાવે છે, જે દર્શાવે છે કે ઘરના કામ અને કમાણી અંગેના પરંપરાગત વહેવારમાં હજુ પણ પરિવર્તન ચાલૂ છે.