સુપ્રીમ કોર્ટમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આયોજિત NEET-UG પરીક્ષાની સુરક્ષા, પેપર લીક અટકાવવા માટેની દેખરેખ પ્રણાલી અને NTA ના પુનર્ગઠનની માંગ કરતી અરજીઓ પર સુનાવણી યોજાઈ હતી. યુનાઇટેડ ડોક્ટર્સ ફ્રન્ટ અને FAIMA દ્વારા દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી જસ્ટિસ પી.એસ. નરસિંહા અને જસ્ટિસ આલોક આરાધેની બેન્ચે સાંભળી હતી.
સરકારે કોર્ટને ખાતરી આપી કે NEET પરીક્ષા પ્રણાલી આધુનિક, પારદર્શક અને સુરક્ષિત છે અને પ્રશ્નપત્ર તૈયાર કરવાથી લઈને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવાના સમગ્ર પ્રોસેસને કડક ગુપ્તતાથી કરવામાં આવે છે. સાથે જ, કોર્ટે જણાવ્યું કે કાગળ પર પ્રક્રિયા ગમે તેટલી સારી દેખાય, પરંતુ વાસ્તવિક પડકાર એ છે કે સિસ્ટમની નબળાઈઓ એક પરીક્ષાથી બીજી પરીક્ષામાં ફરી ન રજુ થાય.
કોર્ટે NTAને યુપીએસસી (UPSC) જેવી મજબૂત અને વિશ્વસનીય પરીક્ષા પ્રણાલી વિકસાવવા સૂચન કર્યું અને ટેકનોલોજી વિષયક ઊંડી સમજ ધરાવતા નિષ્ણાતોની ભરતી કરવા તેમજ અનુભવી અધિકારીઓની વારંવાર બદલી ટાળવાની જરૂરિયાત પર ભાર મૂક્યો, જેથી પ્રણાલી ચાલુ રહે અને સ્થિરતા જળવાઈ રહે.
સરકારે કોર્ટ સમક્ષ રજૂ કરેલ 10-સ્તરીય સુરક્ષા કવચ
- પ્રશ્ન બેંક અને પસંદગી: 13 ભાષાઓમાં તજજ્ઞો દ્વારા પ્રશ્ન બેંક તૈયાર થાય છે અને NTA ડાયરેક્ટર જનરલ સીલબંધ પેપર ચાર અલગ-અલગ સેટમાંથી પસંદ કરે છે.
- સુરક્ષિત છાપકામ: બે નિર્ધારિત પ્રિન્ટિંગ પ્રેસમાં CCTV અને CISFની કડક નજર હેઠળ પેપર છાપવામાં આવે છે.
- ડિજિટલ કોડ અને તાળાબંધી: પેપર્સ લોખંડના બોક્સમાં રાખવામાં આવે છે; પરિવહન કરનાર વ્યક્તિ પાસે ડિજિટલ કી હોય છે, પરંતુ બોક્સ ખોલવાનો કોડ ફક્ત NTA ડાયરેક્ટર જનરલની પરવાનગીથી જ ઉપલબ્ધ થાય છે.
- સ્ટ્રોંગ રૂમ અને GPS ટ્રેકિંગ: પેપર જુદા‑જુદા બેંકોના સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે અને બેંકોથી પરીક્ષા કેન્દ્ર સુધી વાહનો GPS ટ્રેકિંગ અને પોલીસ સુરક્ષા હેઠળ ચલાવવામાં આવે છે.
- વિદ્યાર્થીઓની હાજરીમાં ઉદઘાટન: પરીક્ષાના થોડા કલાકો પહેલાં બે વિદ્યાર્થીઓની હાજરીમાં સીલબંધ બોક્સ ખોલવામાં આવે છે અને તેનું વીડિયો રેકોર્ડિંગ થાય છે.
- વર્ગખંડમાં પેકેટ ખુલવાનો પ્રોટોકોલ: વર્ગખંડમાં 24 વિદ્યાર્થીઓના પેકેટ સ્થાનિક રીતે વિદ્યાર્થીઓ જ ખોલે છે.
કોર્ટે સ્પષ્ટ કર્યું કે ભવિષ્યની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓના હિત અને પરીક્ષાની સુચિતા જાળવવા માટે આ સુરક્ષા સ્તરોનું અક્ષરશઃ પાલન અનિવાર્ય છે.