અમદાવાદ: રાજ્યમાં ચોમાસું હવે ધીમે-ધીમે જમાવટ કરી રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 107 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાતા ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડ જિલ્લામાં મેઘરાજાએ સૌથી વધુ મહેર વરસાવી છે.
સુરત જિલ્લામાં પલસાણા ખાતે અંદાજે 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બારડોલી, મહુવા, અંબિકા અને ઉમરપાડા સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડતાં અનેક સ્થળોએ પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ વલસાડ જિલ્લાના ઉમરગામ, વાપી અને પારડીમાં પણ ભારે વરસાદ વરસતાં જનજીવન પર અસર જોવા મળી હતી.
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં સવારના થોડા કલાકોમાં જ નોંધપાત્ર વરસાદ વરસતાં નદી-નાળા અને જળાશયોમાં નવા નીરની આવક શરૂ થઈ છે.
ભારતીય હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના વધુ વિસ્તારોમાં ચોમાસું વધુ સક્રિય બનવાની શક્યતા છે. દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ અને રેડ એલર્ટ પણ અમલમાં છે.
હવામાન વિભાગે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાં જતાં સાવચેતી રાખવા તેમજ જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરવાની સલાહ આપી છે. સ્થાનિક તંત્રને પણ સંભવિત જળબંબાકાર અને અન્ય પરિસ્થિતિનો સામનો કરવા સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.