અમદાવાદ: શહેર કોટડાની 9 વર્ષની બાળકી સાથે શારીરિક શોષણ મામલે પોક્સો કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષ કેદ અને રૂ. 4 લાખ વળતર

અમદાવાદ કોટડાની 9 વર્ષની બાળકી સાથે શારીરિક શોષણ

અમદાવાદના કોટડા વિસ્તારમાં થયેલા એક દુઃખદ ઘટનામાં, 9 વર્ષીય બાળકી સાથે શારીરિક શોષણ કરવા બદલ આરોપી મુજીબ શેખને પોક્સો કોર્ટે દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, ભોગ બનનાર બાળકી માટે રૂ. 4 લાખ વળતર ચૂકવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

આ કેસમાં, અમદાવાદ સિટી સેશન્સ કોર્ટની પોક્સોની વિશેષ અદાલતના જજ એચ.એન. દેસાઈએ આ ચુકાદો આપ્યો. આરોપીની ઉંમર 53 વર્ષ છે. સરકારી વકીલ દિલીપસિંહ ઠાકોર દ્વારા કેસમાં 11 સાહેદો અને 21 પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા, જેના આધારે અદાલતે દોષિત ઠેરવ્યો.

ઘટનાની વિગતો મુજબ, આરોપી મુજીબ શેખ પીડિતાના પાડોશમાં રહેતા હતા. માર્ચ 2025માં, પીડિતાએ આરોપી દ્વારા કરવામાં આવેલા શારીરિક દુષ્કર્મ વિશે જણાવ્યું હતું. આરોપીએ પીડિતાને ધમકી આપી હતી કે જો તે કોઈને જણાવી તો તેને જાનથી મારી નાખશે.

કેસમાં જણાવવામાં આવ્યું છે કે આરોપીએ પીડિતાને પોતાના ઘેર બોલાવી, કપડાં ઉતારી અયોગ્ય સ્પર્શ અને લૈંગિક શોષણ કર્યું હતું. આ પ્રકારનું કૃત્ય આશરે 4 થી 5 વખત થયું હતું. આરોપીએ બાળકીને કોઇને ન કહેવા માટે 20 રૂપિયા આપ્યા હતા અને માતા-પિતાને કહેશે તો મારી નાખવાની ધમકી આપી હતી.

પરિવારની જાણકારી અનુસાર, બાળકી જ્યારે પોતાની બહેનપુણીઓ સાથે રમતી હતી ત્યારે તેણે આ ઘટનાની વાત કરી, જે તેની પિતરાઈ બહેને સાંભળી પરિવારને જાણ કરી અને ત્યારબાદ પીડિતાની માતાને આ ઘટના અંગે માહિતી આપી હતી.