ગાંધીનગર સ્થિત સ્પીપામાં અટલ સ્મૃતિ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત અર્થશાસ્ત્રી કાર્તિક મુરલીધરન દ્વારા રાજ્ય આધારિત વિકાસ અને અસરકારક શાસન વિષય પર વ્યાખ્યાન યોજાયું.
ગાંધીનગર-સ્પીપા ખાતે ‘અટલ સ્મૃતિ વ્યાખ્યાન’ શ્રેણીનું ચોથું વ્યાખ્યાન યોજાયું
ગાંધીનગર સમાચાર
રાજ્યના અસરકારક, પારદર્શક અને વિકાસલક્ષી શાસનને વેગ આપવા માટે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ હેઠળની Administrative Reforms and Training Division (ARTD) દ્વારા ગાંધીનગર સ્થિત સ્પીપા ખાતે અટલ સ્મૃતિ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત ચોથા વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વ્યાખ્યાનમાં પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી તથા યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સેન ડિએગોમાં ટાટા ચાન્સેલર પ્રોફેસર તરીકે કાર્યરત શ્રી કાર્તિક મુરલીધરન દ્વારા
“Accelerating India’s Development: A State-Led Roadmap for Effective Governance” વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વ્યાખ્યાન દરમિયાન શ્રી મુરલીધરને જણાવ્યું હતું કે, સુવ્યવસ્થિત નીતિ-નિર્માણ, અસરકારક અમલીકરણ અને જવાબદાર વહીવટના સંકલન દ્વારા જ વિકાસલક્ષી હેતુઓને સાકાર કરી શકાય છે. તેમણે ભારતના વિકાસને ઝડપી બનાવવા માટે રાજ્ય સરકારોની મહત્વપૂર્ણ ભૂમિકા ઉપર વિશેષ ભાર મૂક્યો હતો.

અટલ સ્મૃતિ વ્યાખ્યાન : પુરાવા આધારિત નીતિ-નિર્માણ પર ભાર
શ્રી મુરલીધરને પોતાના વ્યાખ્યાનમાં અસરકારક જાહેર ખર્ચની આવશ્યકતા, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં સુધારાઓ તેમજ પુરાવા આધારિત (Evidence-based) નીતિ-નિર્માણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિવિધ રાજ્ય સરકારો સાથે ભાગીદારીમાં કરવામાં આવેલા અભ્યાસ, ક્ષેત્રિય પ્રયોગો અને સંશોધનના અનુભવો પણ હાજર શ્રોતાઓ સાથે શેર કર્યા હતા.

ઉચ્ચ અધિકારીઓની હાજરી
આ કાર્યક્રમમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી જયંતી રવિ, શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ કુમાર, સામાન્ય વહીવટ વિભાગના અગ્રસચિવ શ્રી હરિત શુક્લા, સ્ટેટ ટેક્સ અમદાવાદના ચીફ કમિશનર શ્રી આરતી કંવર, અધિક સચિવ શ્રી વ્યોમેશ શાહ, સ્પીપા ગાંધીનગરના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ શ્રી ચંદ્રેશ કોટક, સંયુક્ત સચિવ શ્રી રૂતા ભટ્ટ, SPIESR અમદાવાદના એક્ટિંગ ડિરેક્ટર પ્રોફેસર નીતિ મહેતા સહિત અન્ય અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ વ્યાખ્યાન શ્રેણી દ્વારા રાજ્યના શાસનતંત્રને વધુ કાર્યક્ષમ, જવાબદાર અને વિકાસલક્ષી બનાવવા માટે મહત્વપૂર્ણ વિચારવિમર્શને પ્રોત્સાહન મળ્યું હોવાનું ઉપસ્થિતોએ જણાવ્યું હતું.
👉 વધુ વાંચો: ગુજરાત સમાચાર