યુરોપના અનેક દેશોમાં ભારે હિમવર્ષા, બરફીલા તોફાન અને કડક ઠંડીના કારણે જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. ફ્લાઈટ, રેલ અને રોડ પરિવહન ઠપ્પ, અનેક લોકોના મોત.
યુરોપના મોટાભાગના વિસ્તારોમાં ભારે હિમવર્ષા, બરફ અને તીવ્ર ઠંડીના કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. ખરાબ હવામાનને કારણે અનેક વિસ્તારો પ્રભાવિત બન્યા છે તેમજ અલગ-અલગ દેશોમાં અનેક લોકોના મોતની ઘટનાઓ પણ સામે આવી છે.
દક્ષિણ-પશ્ચિમ ફ્રાન્સમાં ભારે બરફીલા તોફાન સાથે જોડાયેલા માર્ગ અકસ્માતોમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા. ભારે હિમવર્ષાના કારણે પરિવહન સેવાઓ ખોરવાઈ ગઈ હતી. ફ્રાન્સની રાજધાની પેરિસમાં ઐતિહાસિક સ્થળો અને વિસ્તારો બરફની ચાદરમાં ઢંકાઈ ગયા, જેના કારણે શાળાઓમાં રજા જાહેર કરાઈ હતી. ભારે બરફવર્ષાના કારણે દેશના છ એરપોર્ટ તાત્કાલિક બંધ કરવાના નિર્ણય લેવાયા, જેના કારણે અનેક મુસાફરો અટવાઈ પડ્યા.
નેધરલેન્ડ્સમાં બરફ જમવાથી એમ્સ્ટર્ડેમના સ્કિપોલ એરપોર્ટ પર લગભગ 400 ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. રનવે પર જમેલા બરફને કારણે વિમાનોની અવરજવર અટકી હતી. ફ્લાઈટ રદ થવાની સમસ્યા સોમવારથી વધી જતાં અનેક મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. રેલ સેવાઓમાં પણ ખામી સર્જાતાં ટ્રેનો મોડું ચાલતી થઈ હતી.
ઇટાલીની રાજધાની રોમમાં સતત વરસાદને કારણે ટાઈબર નદીમાં પૂર આવ્યું હતું. વેટિકનમાં એપીફેની તહેવારની ઉજવણી દરમિયાન લોકોના ઉત્સાહ પર પાણી ફરી વળ્યું હતું. રોમના મેયરે પૂરની સંભાવના અને વૃક્ષો ધરાશાયી થવાની શક્યતા અંગે નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરી હતી અને જોખમી પાર્કોમાં જવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
ઉત્તરી યુરોપમાં ભારે હિમવર્ષા અને તીવ્ર ઠંડીના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. બ્રિટનમાં કડક ઠંડી સાથે તાપમાન શૂન્યથી નીચે 12.5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. ભારે બરફવર્ષાના કારણે શાળાઓ બંધ કરવી પડી, રમતગમતના કાર્યક્રમો રદ કરાયા અને પરિવહન સેવાઓ પર ગંભીર અસર પડી. ગ્લાસ્ગો અને લિવરપૂલ જેવા શહેરોમાં વીજ પુરવઠામાં ખલેલ સર્જાઈ હતી.
બેલ્જિયમમાં હળવી હિમવર્ષા થઈ હતી, જ્યારે આસપાસના ડોલોમાઈટ્સ વિસ્તારમાં વિન્ટર સ્પોર્ટ્સના શોખીનો માટે પરિસ્થિતિ અનુકૂળ બની હતી. ઉત્તર સ્કોટલેન્ડમાં લગભગ 15 સેન્ટિમીટર સુધી બરફ પડ્યો હતો અને વધુ હિમવર્ષાની આગાહીથી લોકોમાં ચિંતા વધી હતી.
કેટલાક વિસ્તારોમાં ભારે હિમવર્ષાના કારણે પરિસ્થિતિ પહેલેથી જ ગંભીર હતી. પ્રશાસને લોકો સુધી જરૂરી સામગ્રી પહોંચાડવા ખાસ વ્યવસ્થા ગોઠવવી પડી. બાલ્કન દેશોમાં બરફ, વરસાદ અને તીવ્ર પવનના સંયોજનથી પૂર, વીજ કાપ અને પરિવહન સેવાઓમાં વિક્ષેપ સર્જાયો હતો.
સર્બિયામાં વૃક્ષની ડાળી પડવાથી એક મહિલાનું મોત થયું હતું. સ્લોવેનિયાના કેટલાક વિસ્તારોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી, જ્યારે ક્રોએશિયા અને મોન્ટેનેગ્રોમાં સમુદ્રી તોફાનના કારણે દરિયાકાંઠાના હોલિડે હોમ્સને નુકસાન પહોંચ્યું હતું.