IAS અધિકારીઓની ફરજિયાત નિવૃત્તિ
ગુજરાત સરકારે વહીવટી તંત્રમાં ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને ગંભીર શિસ્તભંગના મામલાઓ સામે કડક કાર્યવાહી કરી છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી હેઠળ બે વરિષ્ઠ IAS અધિકારીઓ કે. રાજેશ અને ગૌરવ દહિયા તેમજ થરાદના સબ-રજિસ્ટ્રાર આર.સી. રબારીને ફરજિયાત નિવૃત્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કે. રાજેશ, જે 2011 બેચના IAS અધિકારી છે, અગાઉ સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન હથિયારના લાઇસન્સ આપવાના મામલામાં લાંચ અને સરકારી જમીનની ફાળવણીમાં આર્થિક ગેરરીતિના આરોપો સામે આવ્યા હતા. CBI અને ED દ્વારા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. લાંબા સમય સુધી જેલમાં રહે્યા બાદ, સરકાર દ્વારા સમગ્ર મામલાની સમીક્ષા કરવામાં આવી હતી, અને હવે તેમને ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી છે.
ગૌરવ દહિયા, 2010 બેચના IAS અધિકારી, નેશનલ હેલ્થ મિશનના મિશન ડિરેક્ટર તરીકે કાર્યરત હતા. તેમની સામે ગેરરીતિ અને ગેરવર્તણૂક સંબંધિત ફરિયાદો સામે આવી હતી. હાલ તેઓ અધિક વિકાસ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેમની સામે ચાલી રહેલી તપાસ બાદ, સરકાર દ્વારા તેમને પણ ફરજિયાત નિવૃત્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
થરાદના સબ-રજિસ્ટ્રાર આર.સી. રબારીને પણ ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી છે. જમીન સંપાદનની પ્રક્રિયા દરમિયાન જરૂરી કાયદેસર આધાર અને દસ્તાવેજોની યોગ્ય ચકાસણી કર્યા વિના દસ્તાવેજોની નોંધણી કરવામાં આવી હોવાના આક્ષેપો સામે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. જમીન સંપાદનના વળતર તથા ખેતીની જમીનને બિનખેતી (NA) કરવામાં થયેલી કથિત ગેરરીતિઓના સંદર્ભમાં તેમને પણ ફરજિયાત નિવૃત્તિ આપવાનો આદેશ કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકારની ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ, આ કાર્યવાહી દ્વારા વહીવટી તંત્રમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ સામે કડક વલણ દર્શાવવામાં આવ્યું છે. સરકારની આ કાર્યવાહી બાદ સરકારી તંત્રમાં ફરજ દરમિયાન ગેરરીતિ કે સત્તાના દુરુપયોગ સામે કડક કાર્યવાહી થવાનો સંદેશ ગયો છે.