ગાંધીનગર: કોંક્રિટ માર્ગ બાંધકામ માટે ઘ-૭ સર્કલથી ચરેડી રોડ પર ટ્રાફિક ડાયવર્ઝન

ગાંધીનગરમાં ટ્રાફિક ડાયવર્ઝન

ગાંધીનગરના ઘ-૭ સર્કલથી ચરેડી રોડ પર ટ્રાફિક ડાયવર્ઝન અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનો હુકમ ગાંધીનગર તા.૦૧ ઓક્ટોબર. ગાંધીનગરમાં GNC યાર્ડ અને GEB પાવર પ્લાન્ટ, પેથાપુર વચ્ચે આવેલા LC નંબર ૦૫ (GEB-ગેટ) પર કોંક્રિટ રોડના બાંધકામની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

આ કામગીરી દરમિયાન વાહનવ્યવહારની સુગમતા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ગાંધીનગર દ્વારા રોડ બંધ રાખવા અને વૈકલ્પિક માર્ગ (ડાયવર્ઝન) અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ હુકમ મુજબ તા. ૧૦/૧૦/૨૦૨૬ ના કલાક ૧૬:૦૦ સુધી ઘ-૭ સર્કલથી ચરેડી રોડ તરફ જતા આવતા રોડ પર કોંક્રિટ રોડના બાંધકામ માટે તમામ પ્રકારના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.

આ માટે મોટા ચિલોડા તરફથી આવતા અને ઘ-૭ સર્કલ થઇ પેથાપુર તરફ જતા તમામ વાહનો સેક્ટર-૩૦ સર્કલથી સીધા રોડ નં. ૭, ચ-૭ ત્રણ રસ્તા, ઘ-૭ સર્કલ, ગ-૭ ત્રણ રસ્તા, ખ-૭ સર્કલથી જમણી બાજુ વળી રેલવે ફાટક, સમર્પણ કોલેજ થઇ એન્જીનીયરીંગ કોલેજ થઇ ચરેડી ચાર રસ્તાથી ડાબી બાજુ વળી પેથાપુર તરફ પ્રવેશ કરી શકશે.

વિજાપુર, પેથાપુર તરફથી આવતા અને ઘ-૭ સર્કલ થઇ ગાંધીનગરમાં પ્રવેશ કરવા માંગતા તમામ પ્રકારના વાહનો ચરેડી ચાર રસ્તાથી જમણી બાજુ વળી એન્જીનીયરીંગ કોલેજ થઇ, સમર્પણ કોલેજ, રેલવે ફાટક થઇ ખ-૭ સર્કલ થઇ ગાંધીનગરમાં પ્રવેશ કરી શકશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.