રાજ્ય આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પાલીતાણા હોસ્પિટલની તાજેતરની નિરીક્ષણ દરમિયાન મનાયેલી 2.55 લાખ લીટર ક્ષમતા ધરાવતી ભૂગર્ભ પાણીની ટાંકી સ્થળ પર હાજર ન હોવાની બાબત નોંધવી હતી. છતાં તે ટાંકી માટે ₹50.43 લાખનું બિલ વડી કચેરીમાં મંજૂર કરવા માટે રજુ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
આ ઘટના અંગે આરોગ્ય મંત્રીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા પાલીતાણા હોસ્પિટલ અને પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ (PIU)ના સંબંધિત અધિકારીઓ સાથે બેઠક કરી સમગ્ર મામલે ગંભીર નોંધ લીધી. તેમણે બિલ રજૂ કરનારના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવવા સૂચના આપી છે.
સંબંધિત ઠેકેદાર ધર્મનંદન કન્સ્ટ્રકશનને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી શરૂ કરવા અને ફરજમાં બેદરકારી બદલ બે સંબંધિત ઈજનેરો સામે ફરજમુક્તની કાર્યવાહી કરવા પણ આરોગ્ય મંત્રીએ PIUના અધિકારીઓને આદેશ આપ્યા છે.
આ સમગ્ર પગલાંઓથી આરોગ્ય વિભાગે સંદેશ આપ્યો છે કે સરકારી કામોમાં બેદરકારી કે ગેરરીતિ કરનાર સામે જવાબદારી નક્કી કરી કડક કાર્યવાહી કરવામાં આવશે.