અહેવાલ: વિનોદભાઈ ભાવસાર અરવલ્લી બ્યુરોચિફ
એલસીબીની કાર્યવાહીથી પોલીસ વિભાગમાં ભારે ચર્ચા
શામળાજી વિસ્તારમાં 31 ડિસેમ્બરની ઉજવણી માટે દારૂની હેરાફેરી રોકવા તહેનાત રહેલી જિલ્લા પોલીસની ટીમે પોતાના બે પોલીસકર્મીઓ વિદેશી દારૂ સાથે ઝડપ્યા છે. આ ઘટના અણસોલ ચેકપોસ્ટ નજીક રાત્રિના સમયે બની હતી.
જિલ્લા એલસીબીના પીઆઇ એમ એચ ઝાલા પેટ્રોલિંગ દરમિયાન અણસોલ ચેકપોસ્ટ પાસે હતા ત્યારે ત્યાં ફરજ બજાવતા પોપટભાઈ ભરવાડ અને રાહુલ દેસાઈ નામના બે એસઆરપી જવાન વિદેશી દારૂના જથ્થા સાથે રંગે હાથ ઝડપાઈ ગયા હતા. એલસીબી ટીમે બંને પોલીસકર્મીઓને ઝડપી પાડ્યા હતા અને તેમના પાસેથી વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ અંગે શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, “દારૂની હેરાફેરી અટકાવવાની જવાબદારી ધરાવતા પોલીસકર્મીઓ જ બુટલેગર બની ગયા છે, જે અરવલ્લી પોલીસની પ્રતિષ્ઠાને આંચ પહોંચાડે છે.”
આ ઘટના રાજ્યના પોલીસ વિભાગમાં ભારે ચર્ચાસ્પદ બની છે. પોલીસ વિભાગમાં શિસ્ત અને જવાબદારી અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે. જિલ્લા પોલીસ વડા, જેમણે સ્વચ્છ અને કડક અધિકારી તરીકે ઓળખ મેળવી છે, તેઓ આ ઘટનાને ગંભીરતાથી લઈ આગળની કાર્યવાહી કરે તેવી શક્યતા છે.
હાલમાં, બંને આરોપી પોલીસકર્મીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. અધિકારીઓએ જણાવ્યું કે, “આ મામલે વધુ તપાસ ચાલુ છે અને કડક પગલાં લેવામાં આવશે.”