ભારતીય દૂતાવાસે અમેરિકા ખાતે વેપાર કરાર અને ઓપરેશન સિંધૂર મુદ્દે ભારતના હિતોને આગળ ધપાવવા અમેરિકન લોબીંગ કંપનીની સેવાઓ લીધી હોવાનું ખુલાસો થયો છે.
અમેરિકામાં ભારતના વ્યાપારિક અને કૂટનીતિક હિતોને વધુ અસરકારક રીતે આગળ ધપાવવા માટે વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસે એક અમેરિકન લોબીંગ કંપનીની મદદ લીધી હોવાનું સામે આવ્યું છે. આ માહિતી અમેરિકાના ન્યાય વિભાગ (DoJ) પાસે દાખલ કરાયેલા દસ્તાવેજોમાંથી બહાર આવી છે.
SHW પાર્ટનર્સ નામની લોબીંગ કંપનીએ Foreign Agents Registration Act (FARA) હેઠળ અમેરિકન ન્યાય વિભાગને આપેલી માહિતી મુજબ, કંપનીએ ભારતીય મિશનને વેપાર કરાર તથા ઓપરેશન સિંધૂર સંબંધિત મુદ્દાઓ પર મીડિયા કવરેજ અને વ્યૂહરચનાત્મક સલાહ આપવા સહાય કરી હતી.
આ મુદ્દે પ્રતિક્રિયા આપતા ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, અમેરિકા સહિત ઘણા દેશોમાં વિદેશી મિશન અને બિઝનેસ સંગઠનો માટે લોબીસ્ટ અને સલાહકારોની સેવાઓ લેવી એક સામાન્ય પ્રથા છે. દૂતાવાસે ઉમેર્યું કે, ભારત 1950ના દાયકાથી સ્થાનિક નિયમો અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આવી સેવાઓ લેતું આવ્યું છે.
FARA વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, SHW પાર્ટનર્સે એપ્રિલથી ડિસેમ્બર 2025 દરમિયાન ભારતીય મિશનને સહાય પૂરી પાડી હતી. આ દરમિયાન કંપનીએ ઓપરેશન સિંધૂર સંબંધિત મીડિયા કવરેજનું મૂલ્યાંકન કર્યું હતું તેમજ અમેરિકાના ટ્રમ્પ પ્રશાસનના ચાર ઉચ્ચ અધિકારીઓ સાથે ભારતીય દૂતાવાસના સંપર્ક માટે મદદ કરી હતી.
લોબીંગ કંપનીએ ભારત અને અમેરિકા વચ્ચે બેઠકો ગોઠવવામાં, ફોન કોલ્સ અને ઈ-મેઇલ દ્વારા સંવાદ સ્થાપિત કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હોવાનું દસ્તાવેજોમાં દર્શાવવામાં આવ્યું છે.