વિદેશમાં અભ્યાસ પછી સ્થાયી થવાનું સપનું: કેનેડા બન્યું વધુ સરળ અને વિશ્વસનીય વિકલ્પ

વિદેશમાં અભ્યાસ બાદ સ્થાયી થવાનું સપનું જોતા ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડા યુકે કરતા વધુ ઝડપી અને સરળ વિકલ્પ બની રહ્યું છે. PR, PGWP અને ઇમિગ્રેશન નિયમોની સંપૂર્ણ માહિતી વાંચો.

વિદેશમાં અભ્યાસ કરીને ત્યાં જ સ્થાયી થવાનું સપનું જોતા ભારતીય વિદ્યાર્થીઓ માટે હવે યુનાઇટેડ કિંગડમ (UK) કરતા કેનેડા વધુ આકર્ષક, સરળ અને વિશ્વસનીય વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. તાજેતરના અહેવાલો મુજબ Study to Immigration એટલે કે અભ્યાસ બાદ સ્થાયી નાગરિકત્વ મેળવવાની પ્રક્રિયામાં કેનેડાએ યુકેને પાછળ છોડ્યું છે.

હાલમાં બંને દેશોમાં આવાસ અને વસ્તી દબાણના કારણે ઇમિગ્રેશન નિયમો કડક કરવામાં આવ્યા છે, તેમ છતાં કેનેડાની વ્યવસ્થા હજુ પણ વધુ સ્પષ્ટ, સરળ અને ઝડપી ગણાય છે. કેનેડામાં ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ માત્ર એક વર્ષના કામના અનુભવ પછી વિદ્યાર્થી Permanent Residence (PR) માટે અરજી કરી શકે છે.

તેની સરખામણીમાં, યુકેમાં Indefinite Leave to Remain (ILR) મેળવવા માટે ઓછામાં ઓછા પાંચ વર્ષ, અને કેટલાક કિસ્સાઓમાં દસ વર્ષ સુધીનો લાંબો સમય લાગી શકે છે.

કેનેડામાં વિદ્યાર્થીઓને Post-Graduation Work Permit (PGWP) ત્રણ વર્ષ સુધી મળે છે, જ્યારે યુકેમાં નવા નિયમો અનુસાર 2026-27થી વર્ક વિઝાનો સમયગાળો ઘટાડીને માત્ર 18 મહિના કરવાનો નિર્ણય લેવાયો છે.

બન્ને દેશો વચ્ચેનો સૌથી મોટો તફાવત એ છે કે કેનેડામાં અભ્યાસ બાદ વર્ક પરમિટ પર કરેલો કામનો અનુભવ સીધો PR માટે માન્ય ગણાય છે, જ્યારે યુકેમાં ગ્રેજ્યુએટ વિઝા પર કરાયેલો અનુભવ ILR માટે માન્ય માનવામાં આવતો નથી.

યુકેમાં સ્થાયી વસવાટ માટે વિદ્યાર્થીને ફરજિયાત રીતે Skilled Worker Visa મેળવવો પડે છે, જેમાં સ્પોન્સરશિપ, ચોક્કસ પગાર મર્યાદા અને અન્ય કડક શરતો પૂર્ણ કરવી પડે છે. આ પ્રક્રિયા ઘણી જટિલ અને સમયખોર માનવામાં આવે છે.

ઉદાહરણ તરીકે, જો કોઈ વિદ્યાર્થી 22 વર્ષની ઉંમરે કેનેડા જાય, તો તે 25 વર્ષની ઉંમર સુધીમાં એટલે કે માત્ર ત્રણ વર્ષમાં PR મેળવી શકે છે. જ્યારે યુકેમાં એ જ સ્થિતિમાં સ્થાયી થવા માટે 7 થી 10 વર્ષ જેટલો લાંબો સમય લાગી શકે છે.

આ રીતે જો કોઈ વિદ્યાર્થી ઓછા સમયમાં, સ્પષ્ટ નિયમો સાથે અને વધુ વિશ્વસનીય માર્ગે વિદેશમાં સ્થાયી થવા ઈચ્છતો હોય, તો વર્તમાન પરિસ્થિતિમાં કેનેડા યુકે કરતા વધુ યોગ્ય અને ઝડપી વિકલ્પ સાબિત થઈ રહ્યો છે.

Leave a Comment