ઇન્ફ્લુએન્સર યુવતી પર જાતિવાચક ટિપ્પણી
અમદાવાદની નારોલ-નરોડા રોડ પર આવેલા મુરલીધર સ્કાયમાં રહેતી અને વ્યવસાયે મેકઅપ આર્ટિસ્ટ તેમજ ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર 28 વર્ષીય યુવતી સામે સોશિયલ મીડિયામાં જાતિવિષયક અપમાનજનક ટિપ્પણી કરવાના મામલે ઇસનપુર પોલીસે ગુનો નોંધ્યો છે. આ ઘટના ભાડજ સ્થિત હરે કૃષ્ણ મંદિરમાં રીલ્સ બનાવતી વખતે થયેલા વિવાદને આધારે છે.
મળતી માહિતી અનુસાર, જન્માષ્ટમી નિમિત્તે ભાડજ સ્થિત હરે કૃષ્ણ મંદિરના ઇન્સ્ટાગ્રામ પેજ પર શૂટિંગ માટે આમંત્રણ આપતી પોસ્ટ મૂકવામાં આવી હતી. યુવતીએ આ પોસ્ટ જોઈને રીલ બનાવવા માટે મંદિરના પેજ પર સંપર્ક કર્યો હતો. ચોથી સપ્ટેમ્બર રોજ રાત્રે યુવતી પરિવાર સાથે મંદિરે પહોંચી હતી.
યુવતીનો દાવો છે કે ત્યાં હાજર સેવકોએ તેમને વીડિયો બનાવવાની મંજુરી ન હોવાને કારણે બહાર જવા કહ્યું. ત્યારબાદ, યુવતીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તે ઘટનાનો એક વીડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયોપોસ્ટ પછી ‘આરજે શિવાંગ’ નામના ઇન્સ્ટાગ્રામ યુઝરે યુવતીનું ફોટો ઉપયોગ કરીને ટ્રોલિંગ રૂપી રીલ અપલોડ કરી હતી.
છઠ્ઠી સપ્ટેમ્બરના રોજ ‘રોહન સાહ’ નામના ઇન્સ્ટાગ્રામ યુઝરે યુવતીના પ્રત્યે જાતિવાચક અસરજનક ટિપ્પણી કરી હતી. યુવતીએ પોતાની જાતિ પ્રત્યે થયેલી અયોગ્ય ટિપ્પણીના આધારે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદને ધ્યાનમાં લઈને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.