ચોમાસામાં કચ્છ-સૌરાષ્ટ્રની ટ્રેનો નહીં અટકે: માળિયા-મિયાણામાં 1500 ટનની 3 ક્રેનથી એક જ બ્લોકમાં 3 રેલવે પુલનું નિર્માણ

ચોમાસામાં કચ્છ-સૌરાષ્ટ્રની ટ્રેનો નહીં અટકે

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મોરબી જિલ્લાના માળિયા મિયાણા એસેટે વિસ્તારમાં ચોમાસામાં ટ્રેન સેવાઓ ખોરવાય ન જાય તે માટે મોટું માળખાકીય સુધારણા કાર્ય પૂર્ણ કર્યું છે. વિરમગામ-સામખિયાળી મુખ્ય રેલખંડ પર વાધરવા-માળિયા મિયાણા સેક્શનમાં એક જ બ્લોકમાં 500-500 ટન ક્ષમતાવાળી ત્રણ ક્રેનની મદદથી (કુલ 1500 ટન) એકસાથે ત્રણ નવા રેલવે પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે.

પુલ અને સ્થાનની વિગતો વાધરવા-માળિયા મિયાણા સેક્શનમાં કિલોમીટર 699/16 થી 699/24 વચ્ચે પુલ નંબર 147/D, 147/E અને 147/F પર ત્રણ નવા જળનિક્ષેપ પુલ તૈયાર કરવામાં આવ્યા છે. સાથે જ ક્રોસિંગ નંબર 95 અને 97 પાસે પણ એક-એક ડ્રેનેજ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યો છે.

ડ્રેનેજ ઓપનિંગ અને નાળાં સેક્શનમાં પ્રારંભિક કામગીરીમાં 5 ડ્રેનેજ ઓપનિંગ બનાવવામાં આવી છે અને કુલ રીતે વાધરવા-માળિયા મિયાણા સેક્શનમાં 5, માળિયા મિયાણા-દહીંસરા સેક્શનમાં 5 અને માળિયા મિયાણા-સુરબારી સેક્શનમાં 1 મળી કુલ 12 નવી ડ્રેનેજ ઓપનિંગ વિકસાવવામાં આવી છે. આથી પૂરનું પાણી પુનઃપ્રવાહિત થતાં પાટા નીચેની માટીનું ધોવાણ અટકાડવામાં સહાય મળશે.

સુરક્ષા દીવાલ અને જળનિકાસી આયોજન પૂર સામે રેલપાટાની રક્ષા માટે લગભગ 3.7 કિમી લાંબી સુરક્ષા દીવાલ બનાવવામાં આવી છે. ઉપરાંત વાધરવા-માળિયા મિયાણા, માળિયા મિયાણા-દહીંસરા તથા માળિયા મિયાણા-સુરબારી સેક્શનમાં કુલ 12 નવા જળનિકાસી સ્ટ્રક્ચર ગોઠવાયા છે, જે પૂરનું પાણી પાટા ઉપરથી પસાર થવાને બદલે નીચેથી બહાર કાઢવામાં મદદ કરશે.

બોક્સ બ્રિજ અને જૂના પાઇપનું નવું નિર્માણ માળિયા મિયાણા યાર્ડના અમદાવાદ તરફના ભાગે પુલ નંબર 155 પર પહેલેથી હતા તે ત્રણ 600 મિમી વ્યાસના પાઇપ પૂરનું પાણી નિકાસ માટે અપૂરતા સાબિત થતા, ત્યાં અપ લાઈન, ગુડ્સ લાઈન અને ટ્રેક મશીન સાઈડિંગ નીચે જૂના પાઈપ પુલને બદલે નવો બોક્સ બ્રિજ બનાવાયો છે.

ઇતિહાસ અને પૂરથી થયેલા નુકસાન ભૌગોલિક રીતે માળિયા-મિયાણા વિસ્તાર પૂર પ્રત્યે સંવેદનશીલ છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ અને મચ્છુ-2 તથા મચ્છુ-3 ડેમમાંથી પાણી છોડવામાં આવતા અહીં વરસાદી પ્રવાહ વધી જાય છે. વર્ષ 1979, 2017 અને ઓગસ્ટ 2024માં આવેલ પૂરના સમયગાળામાં સામખિયાળી-માળિયા મિયાણા, ધ્રાંગધ્રા અને વાંકાનેર રેલખંડ પર પાટા નીચેની માટી ધોવાઈ જતા ટ્રેન વ્યવહાર અટકાવવામાં આવ્યો હતો.

કંડલા અને મુન્દ્રા બંદરોને દેશના અન્ય ભાગો સાથે જોડતા આ માર્ગ પર માલપરિવહનને પણ મોટું પ્રભાવ પડ્યો હતો. તૈયારી અને રિઝર્વ સ્ટોક ચોમાસાની કટોકટી માટે ક્વોરી ડસ્ટ, બોલ્ડર અને બેલાસ્ટનો વિશેષ રિઝર્વ જથ્થો તૈયાર રાખવામાં આવ્યો છે, જેથી તાત્કાલિક સમારકામ અને રેલ સેવાનો પુનઃપ્રારંભ શક્ય થઈ શકે.

અધિકારીઓનું નિવેદન અમદાવાદ મંડળના રેલ પ્રબંધકે (DRM) જણાવ્યું કે, “અમારો ઉદ્દેશ્ય માત્ર પૂરથી થયેલા નુકસાનનું સમારકામ કરવાનો નથી, પરંતુ ભવિષ્યના પડકારોને ધ્યાનમાં રાખીને એવું મજબૂત રેલ માળખું વિકસાવવાનો છે કે જેથી પ્રતિકૂળ હવામાનમાં પણ મુસાફર અને માલપરિવહન સુરક્ષિત અને વિશ્વસનીય બની રહે.”