અમદાવાદ (ગ્રામ્ય) | ક્રાઇમ ડેસ્ક
નવ વર્ષના અંતે 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં દારૂની હેરાફેરી રોકવા પોલીસ તંત્ર સઘન કાર્યવાહી કરી રહ્યું છે. આ દરમિયાન અમદાવાદ ગ્રામ્યના બગોદરા પોલીસે અમદાવાદ–રાજકોટ હાઈવે પર મોટી કાર્યવાહી કરીને સંતરાની આડમાં લઈ જવાતો લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે.
વાહન ચેકિંગ દરમિયાન ભાંડો ફૂટ્યો
બગોદરા ટોલટેક્સ નજીક રૂટિન વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું ત્યારે અમદાવાદ તરફથી આવતી એક શંકાસ્પદ આઈશર ટ્રકને પોલીસે અટકાવી તપાસ શરૂ કરી હતી. ટ્રકમાં પ્લાસ્ટિકના કેરેટમાં સંતરા ભરેલા દેખાતા હતા, પરંતુ ચાલક પાસે માલસામાન સંબંધિત યોગ્ય બિલ્ટી કે દસ્તાવેજો ન હોવાને કારણે પોલીસને શંકા ગઈ હતી.
પોલીસે ટ્રકની ઊંડાણપૂર્વક તપાસ કરતાં સંતરાના કેરેટની પાછળ વ્યવસ્થિત રીતે છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
295 પેટીઓ, 14,160 બોટલ સાથે ₹58 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની કુલ 295 પેટીઓ જપ્ત કરી હતી, જેમાં 180 મિલીની 14,160 બોટલો મળી આવી હતી. દારૂની અંદાજિત કિંમત રૂ. 48,14,400 થાય છે. ઉપરાંત, ટ્રક (રૂ. 10 લાખ) અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 58,40,400નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.
બે આરોપીઓની ધરપકડ, સપ્લાય ચેઇનની તપાસ શરૂ
આ કેસમાં પોલીસે ટ્રક ચાલક રણબીરસિંહ રણજીતસિંહ રાજપુત (ઉંમર 50) અને શેરસિંહ રતનલાલ રાજપુત (ઉંમર 24)ની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે દારૂનો આ જથ્થો હરિયાણાના મનીષ ઉત્તમચંદ શર્મા દ્વારા મોકલવામાં આવ્યો હતો અને તેને ગુજરાતમાં કોઈ અજાણ્યા વ્યક્તિ સુધી પહોંચાડવાનો હતો.
પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે તેમજ આ દારૂ ક્યાં સપ્લાય થવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.