ગોવા નાઈટક્લબ આગકાંડ: 25 મોતના કેસમાં ફરાર લૂથરા ભાઈઓ ઝડપાયા, થાઈલેન્ડથી દિલ્હી લવાયા

ઉત્તર ગોવામાં આવેલા ‘બિર્ચ બાય રોમિયો લેન’ નાઈટક્લબમાં થયેલા ભયાનક અગ્નિકાંડ કેસમાં ગોવા પોલીસને મોટી સફળતા મળી છે. ઘટના બાદ ફરાર થયેલા નાઈટક્લબના સહમાલિક ગૌરવ લૂથરા અને સૌરભ લૂથરાને થાઈલેન્ડથી ભારત પરત લાવી દિલ્હી એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે.

6 ડિસેમ્બરના રોજ નાઈટક્લબમાં લાગેલી આગમાં 25 લોકોના મોત થયા હતા. ઘટનાના થોડા જ કલાકોમાં બંને લૂથરા ભાઈઓ દેશ છોડીને થાઈલેન્ડ ભાગી ગયા હતા. બાદમાં ગોવા પોલીસે તેમના વિરુદ્ધ ઈન્ટરપોલની બ્લૂ કોર્નર નોટિસ જાહેર કરી હતી. થાઈલેન્ડના સત્તાવાળાઓએ 11 ડિસેમ્બરે બંનેને કસ્ટડીમાં લીધા હતા અને ત્યારબાદ ભારતીય અધિકારીઓને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

સુરક્ષા નિયમોની અવગણનાથી થયો હતો ભયાનક અકસ્માત

તપાસ દરમિયાન ખુલાસો થયો કે નાઈટક્લબમાં આગ સલામતીના કોઈપણ માપદંડોનું પાલન કરવામાં આવ્યું નહોતું. ક્લબના સ્ટ્રક્ચરમાં ગંભીર ખામીઓ હતી તેમજ આગ પર કાબૂ મેળવવા માટે કોઈ યોગ્ય સાધનો ઉપલબ્ધ નહોતા. બહાર નીકળવાનો એકમાત્ર માર્ગ ખૂબ સાંકડો હતો અને તે પણ એક નાનકડા પુલ સાથે જોડાયેલો હોવાને કારણે ભીડ બહાર ન આવી શકી, જેના કારણે જાનહાનિ વધી.

મેનેજમેન્ટ અને સ્ટાફની અગાઉથી ધરપકડ

લૂથરા ભાઈઓની ધરપકડ પહેલાં ગોવા પોલીસે નાઈટક્લબના પાંચ મેનેજરો અને સ્ટાફ સભ્યોને ઝડપી લીધા હતા. ધરપકડમાં ચીફ જનરલ મેનેજર રાજીવ મોદક, જનરલ મેનેજર વિવેક સિંહ, બાર મેનેજર રાજવીર સિંઘાનિયા અને ગેટ મેનેજર પ્રિયંશુ ઠાકુરનો સમાવેશ થાય છે. જ્યારે ક્લબના માલિકો સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. દિલ્હી કોર્ટે તાજેતરમાં લૂથરા ભાઈઓને ધરપકડમાંથી રાહત આપવા ઈન્કાર કર્યો હતો.

ગેરકાયદેસર નાઈટક્લબ પર બુલડોઝર કાર્યવાહી

અગ્નિકાંડ બાદ અને અનેક અનિયમિતતાઓ સામે આવતા જિલ્લા તંત્રએ નાઈટક્લબ પર બુલડોઝર ચલાવી તેને તોડી પાડ્યું હતું. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતના આદેશ બાદ 9 ડિસેમ્બરે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે નાઈટક્લબ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે બાઘા વિસ્તારમાં આવેલા આ પ્રખ્યાત નાઈટક્લબમાં 6 અને 7 ડિસેમ્બરની મધ્યરાત્રિએ લાગેલી આગ ગોવાના સૌથી ભયાનક દુર્ઘટનાઓમાંની એક બની ગઈ હતી, જેમાં 25 નિર્દોષ લોકો જીવ ગુમાવ્યા હતા.

Leave a Comment