શહેર | લોકલ ન્યૂઝ ડેસ્ક
શહેરમાં ધામધૂમથી ઉજવાયેલા ગણેશોત્સવને હવે ત્રણ મહિના કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં રાજમહેલ રોડ પર આવેલા નવલખી મેદાનના કૃત્રિમ તળાવની સ્થિતિ ચિંતાજનક બની છે. શહેરના સૌથી મોટા કૃત્રિમ તળાવમાં હજી પણ શ્રી ગણેશજીની મૂર્તિના અવશેષો તેમજ લાકડાના બેઝ પાણીમાં જ પડ્યા હોવાને કારણે પાણી બંધીયાર બની ગયું છે અને આસપાસ ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે.
તળાવમાં સફાઈના અભાવે આરોગ્ય જોખમ
સ્થાનિકોના જણાવ્યા મુજબ તળાવમાં લાંબા સમયથી પાણી ઉભું રહેતા મચ્છરોનો ઉપદ્રવ સતત વધી રહ્યો છે. દુર્ગંધને કારણે આસપાસથી પસાર થનારા લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ સ્થિતિ યથાવત રહે તો આરોગ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓ ઊભી થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
વિસર્જન બાદ અવશેષો હજી પણ પાણીમાં
ઉલ્લેખનીય છે કે ગણેશોત્સવ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ સાત કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા હતા, જેમાં નવલખી મેદાન ખાતે આવેલ તળાવ સૌથી મોટું છે. શ્રીજી મહોત્સવ સંપન્ન થયા બાદ મૂર્તિ વિસર્જન તો કરવામાં આવ્યું, પરંતુ તેના અવશેષો અને બેઝનો યોગ્ય નિકાલ આજદિન સુધી કરવામાં આવ્યો નથી.
પાલિકાની નિષ્ક્રિયતા સામે પ્રશ્નો
આ તળાવ માટે ગણેશ મહોત્સવ પહેલાં નગરપાલિકા દ્વારા વિવિધ સુવિધાઓ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને સંબંધિત કોન્ટ્રાક્ટરોને ચૂકવણી પણ કરવામાં આવી હતી. છતાં વિસર્જન બાદ તળાવની સફાઈ કરવામાં ન આવતા પાલિકાની કામગીરી સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે.
તાત્કાલિક સફાઈ અને નિકાલની માંગ
વોર્ડ નં. 13માં આવેલ આ નવલખી કૃત્રિમ તળાવની તાત્કાલિક સફાઈ કરવામાં આવે તેમજ શ્રીજી મૂર્તિના અવશેષોનો વૈજ્ઞાનિક અને પર્યાવરણને અનુકૂળ રીતે નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકોમાંથી માંગ ઉઠી છે. લાંબા સમય સુધી બંધીયાર પાણી રહેતા જળચર પ્રાણીઓ કે માછલીઓ જોવા મળે તો નવાઈ નહીં તેવી ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે.