કહેવાય છે કે પરિશ્રમ કરનાર ક્યારેય હાર નથી માનતા. આના દમ પર તમે રોડપતિથી કરોડપતિ પણ બની શકો છો. હવે મદ્રાસ રબર ફેક્ટરી એટલે કે એમઆરએફની સક્સેસ સ્ટોરી જ જોઈ લો. આ કંપનીના માલિક. કે.એમ. મામેન મેપ્પીલાઈ ક્યારેક રબરના ફુગ્ગા બનાવીને તેને ઘરે-ઘરે વેચવાનું કામ કરતા હતા. પણ આજે તે ભારતની ટોપ ટાયર કંપનીના માલિક છે. આ કંપનીની કિંમત આજે 38,000 કરોડ રૂપિયા છે. તેના શેર પર બધી ભારતીય કંપનીઓમાં સૌથી મોંઘો છે. તો આખરે એમણે આ કર્યું કઈ રીતે ચાલો જાણીએ.
આ વાર્તા શરૂ થાય છે વર્ષ 1946 માં , જ્યારે કંપનીના સ્થાપક કે.એમ. મામેન મેપ્પીલાઈ એક નાનકડી ફેક્ટરીમાં ફુગ્ગા બનાવતા હતા. આ પછી, તે ગલીઓમાં જઈને પોતે જ તેને વેચતા હતા. પણ પછી તેણે વિદેશી કંપની સાથે ટક્કર લેવાનું વિચાર્યું.
બન્યું એવું કે 1952માં તેમને જાણકારી મળી કે ભારતમાં એક વિદેશી કંપની આવી છે જે રીટ્રેડીંગ પ્લાન્ટને ટ્રેડ રબર સપ્લાય કરી રહી છે. રીટ્રેડિંગ એ જૂના ટાયરને ફરીથી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવવાની પ્રોસેસ હોય છે. જ્યારે ટ્રેડ રબરના ટાયરના ઉપરના ભાગને કહેવામાં આવે છે. આ તે વસ્તુ છે જે જમીનના સંપર્કમાં આવે છે.
મેપ્પિલાઈને લાગ્યું કે આવું કામ તો તે પોતે પણ કરી શકે છે. પછી શું ,તેમણે ફુગ્ગા વેચીને ભેગી કરેલી પોતાની બધી કમાણી આ કામ માટે લગાવી દીધી. જો જોવામાં આવે તો તેમના માટે પણ આ એક મોટું રિસ્ક હતું, પણ આજે તેમને આ રિસ્કનું ઘણું મીઠું ફળ મળી રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે, MRF તે સમયે એકમાત્ર એવી ભારતીય કંપની હતી જે ટ્રેડ રબર બનાવી રહી હતી.
આ કામ કરતી બાકી બધી જ કંપનીઓ વિદેશી હતી. મેપ્પિલાઈને આ કામ શરૂ કર્યું એને ચાર જ વર્ષ થયા હતા અને તેમની કંપનીનો માર્કેટ શેર 50 ટકા થઈ ગયો હતો. જેના કારણે ઘણી ઇન્ટરનેશનલ કંપનીઓને ભારત છોડીને જવું પડ્યું હતું.
મેમણ મેપ્પીલાઈની જીભ પર હવે સફળતાનો સ્વાદ લાગી ગયો હતો. એમણે અહીંયા રોકાવાને બદલે બિઝનેસને વધુ વધારવાનું વિચાર્યું. હવે તેણે સીધા ટાયર બનાવવાનું નક્કી કર્યું. તેમણે 1961માં ટાયર બનાવવાનું કારખાનું નાખી દીધું. જો કે તે ટેકનિકલી એ માટે સક્ષમ ન હતા..
એવામાં તેમણે અમેરિકન કંપની મેન્સફિલ્ડ ટાયર અને રબર કંપની સાથે હાથ મિલાવીને પાર્ટનરશિપ કરી લીધી. તે જ વર્ષે, કંપનીએ મદ્રાસ સ્ટોક એક્સચેન્જમાં તેનો IPO પણ ઊભો કરી દીધો. એ સમયે સરકાર પણ લોકલ ઉદ્યોગોને ફૂલ સપોર્ટ આપતી હતી. એમઆરએફે એનો ફાયદો ઉઠાવી સરકારી ટેન્ડરો માટે અરજી કરી હતી.
1963 એ વર્ષ હતું જ્યારે MRF ભારતમાં જાણીતું નામ બની ગયું હતું. કંપનીને ફેમસ કરવામાં તેમના યુનિક માર્કેટિંગે પણ મદદ કરી. ત્યારે કંપની ગાડીઓના મેન્યુફેક્ચરિંગ સમયે તેના ટાયર ફીટ કરાવવામાં સફળતા મેળવી શકી ન હતી.
એવામાં તેણે સીધા બજારમાં તેના ટાયર ઉતાર્યા. સાથે જ એ પાક્કું કર્યું કે જ્યારે પણ ગ્રાહક તેના વાહનનું ટાયર બદલાવે ત્યારે તેણે માત્ર MRFને જ પ્રાથમિકતા આપે. આ માટે કંપનીએ એલીક પદમસીને મદદ કરી. તે એ જ માર્કેટિંગ દિગ્ગજ છે જેણે ભારતમાં જાહેરાતની દિશા બદલી નાખી.