સામાન્ય વર્ગને આર્થિક રીતે સશકત કરવા અને પગભર કરવા દેશમાં ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમની એક છે પીએમ જન ધન ખાતાની યોજના. આ યોજના અંતર્ગત લોકો ઝીરો બેલેન્સ પર એકાઉન્ટ્સ ખોલી શકે છે.
ચેકબુક, પાસબુક, અકસ્માત વીમા સિવાય સામાન્ય માણસને આ ખાતા પર ઓવરડ્રાફ્ટની સુવિધા પણ મળે છે. ઓવરડ્રાફ્ટ સુવિધા હેઠળ, જન ધન ખાતા ધારક ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તેના ખાતામાંથી 10,000 રૂપિયા સુધી ઉપાડી શકે છે.
આ સુવિધા શું છે
ઓવરડ્રાફ્ટ સુવિધા એ લોનનો જ એક પ્રકાર છે. આ કારણે ખાતાં ધારકો ઝીરો બેલેન્સ હોવા છતાં 10 હજાર રૂપિયા ઉપાડી શકે છે. આમાં ઉપાડેલી રકમ એક નિશ્ચિત સમયગાળામાં ચૂકવવાની હોય છે અને તેના પર વ્યાજ પણ વસૂલવામાં આવે છે. આ રકમ ATM અથવા UPI દ્વારા સરળતાથી ઉપાડી શકાય છે.
એવું નથી કે જન ધન ખાતું ખોલતાની સાથે જ તમને ઓવરડ્રાફ્ટ સુવિધા હેઠળ 10,000 રૂપિયાનો લાભ મળવા લાગશે. પરંતુ શરત એ છે કે આ સુવિધાનો લાભ લેવા માટે તમારું ખાતું 6 મહિના જૂનું હોવું જોઈએ. જો તમારું એકાઉન્ટ છ મહિના પૂરા થયા નથી, તો તમે માત્ર 2,000 રૂપિયાની ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ લઈ શકો છો.
જન ધન ખાતા પર અન્ય લાભો
1. જન ધન ખાતાનો એક ફાયદો એ છે કે ઝીરો બેલેન્સ ખાતું હોવાને કારણે તેમાં મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી નથી. એટલે કે, જો તમારા ખાતામાં મિનિમમ બેલેન્સ નથી, તો પણ તમારે તેના માટે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં.
2.આ ખાતું કોઈપણ બેંકમાં ખોલાવી શકાય છે. સામાન્ય ખાતાઓની જેમ, તમને જન ધન ખાતામાં જમા રકમ પર વ્યાજની સુવિધા પણ મળે છે.
3. આ યોજના હેઠળ ખાતું ખોલવા પર, તમને રુપે એટીએમ કાર્ડની સુવિધા મળે છે. આ સિવાય 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો, 30 હજાર રૂપિયાનું જીવન કવર આપવામાં આવે છે.
વધુમાં વાંચો :- FD પર વધુ વ્યાજ જોઈએ છે ? શેમાં રોકાણ કરશો ? બેંક કે પોસ્ટ ઓફિસ, જાણો અહીં
કોણ ખાતું ખોલાવી શકે છે
10 વર્ષથી વધુ ઉંમરનો કોઈપણ ભારતીય નાગરિક કોઈપણ બેંકમાં જઈને પોતાનું જન ધન ખાતું ખોલાવી શકે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય દરેક વ્યક્તિને બેંકિંગ સિસ્ટમ સાથે જોડવાનો છે. ખાતું ખોલવા માટે, તમારે એક ફોર્મ લેવું પડશે અને પછી તમારી બધી વિગતો જેમ કે નામ, મોબાઇલ નંબર, બેંક શાખાનું નામ, અરજદારનું સરનામું અને અન્ય તમામ માહિતી ભરવી પડશે.