છત્તીસગઢના કબીરધામ જિલ્લાના કવર્ધામાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીંયા એક લગ્નના ઘરમાં માતમ પ્રસરી ગયો છે અને વરરાજાનું મોત થયું છે. વાત જાણે એમ છે કે વરરાજા દહેજમાં મળેલી ગિફ્ટસને જોઈ રહ્યો હતો, આ દરમિયાન તેની નજર એક હોમ થિયેટર પર પડી. જ્યારે તેણે ચેક કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે જોરદાર ધડાકો થયો. આ ધડાકો એટલો જોરદાર હતો કે મકાનના પણ ફૂડચા ઉડી ગયા અને વરરાજાનું મોત થયું.
આ ઘટનામાં પ્રેમ પ્રકરણનો કિસ્સો પણ સામે આવ્યો છે અને પોલીસે દુલ્હનના પ્રેમીની ધરપકડ કરી છે.
ચમરી ગામના નિવાસી હિમેન્દ્ર મેરાવીના લગ્ન આંજણા ગામની લલિતા મેરાવી સાથે થયા હતા. 31 તારીખે વરરાજાના ઘરે રિસેપ્શન હતું. શુક્રવારે લગ્નના કાર્યક્રમ પછી, 1 એપ્રિલના રોજ, કન્યા તેના પરિવારના સભ્યો સાથે તેના પિયર આવી હતી. 3 એપ્રિલના રોજ સવારે 11.30 વાગ્યે દહેજમાં મળેલી ગિફ્ટને વરરાજા હિમેન્દ્ર મેરાવી તેના ભાઈ રાજકુમાર મેરાવી અને અન્ય ચાર સાથે ચેક કરી રહ્યો હતો
આ દરમિયાન તેની નજર દહેજમાં મળેલા હોમ થિયેટર પર પડી. સોની કંપનીના હોમ થિયેટરને જેવું બોક્સમાંથી ખોલીને ટ્રાય કરવામાં આવ્યું કે આ દરમિયાન જોરદાર ધડાકો થયો હતો.
આ ઘટનામાં હિમેન્દ્ર, રાજકુમાર, સૂરજ મેરાવી, શિવકુમાર, દીપક અને દોઢ વર્ષનો સૌરભ દાઝી ગયા હતા. પરિવારના લોકોએ ફોન કરીને પોલીસને આ વિશે જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં હિમેન્દ્રનું મોત નીપજ્યું હતું. અન્ય 5 લોકોને ગંભીર હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન રાજકુમારનું પણ મોત થયું હતું.
આ ઘટનામાં પોલીસે દુલ્હન લલિતા મેરાવીના પ્રેમીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની ધરપકડ મધ્યપ્રદેશમાંથી કરી હતી. આરોપીને કવર્ધા લાવીને રેંગાખર પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. એ સમયે એસપી લાલ ઉમેદ સિંહ પણ હાજર છે. પોલીસ પ્રેમ પ્રકરણના કારણે આરોપી દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે એવી આશંકા વ્યક્ત કરી રહી છે.